ન્યૂઝીલેન્ડને સેમી-ફાઈનલમાં હરાવી પાકિસ્તાન T20-વર્લ્ડકપની ફાઈનલમાં

સિડનીઃ પાકિસ્તાને તેની ઓપનિંગ જોડી – મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની હાફ સેન્ચુરીઓના જોરે આજે અહીં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2022ની  ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન કર્યા બાદ પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 153 રન કરીને મેચ જીતી લીધી હતી. બાબર આઝમ 42 બોલમાં 53 રન કરીને અને રિઝવાન 43 બોલમાં 57 રન કરીને આઉટ થયો હતો. આ બંનેએ પહેલી વિકેટ માટે 12.4 ઓવરમાં 105 રનની ભાગીદારી કરી હતી. 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનારી ફાઈનલ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત અથવા ઈંગ્લેન્ડમાંથી કોઈ એકની સામે થશે, જે બંને વચ્ચે આવતીકાલે એડીલેડમાં બીજી સેમી ફાઈનલ રમાશે. પાકિસ્તાન આ ત્રીજી વાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ્યું છે.

સ્કોરઃ

ન્યૂઝીલેન્ડ 152-4 (20).

પાકિસ્તાન 153-3 (19.1)

પાકિસ્તાન ટીમે 13 વર્ષ પછી ફરી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

કંગાળ ફિલ્ડિંગે ન્યૂઝીલેન્ડને હરાવ્યું

ન્યૂઝીલેન્ડના પરાજયનો ઘણોખરો શ્રેય તેની નબળી ફિલ્ડિંગને જાય છે. એના ફિલ્ડરોએ ત્રણ કેચ પડતા મૂક્યા હતા અને રનઆઉટના બે ચાન્સ ગુમાવ્યા હતા. બાબર આઝમનો કેચ તો ત્યારે જ પડતો મૂકી દેવાયો હતો જ્યારે એણે ખાતું પણ ખોલાવ્યું નહોતું.

ડાબોડી કાતિલ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ચાર ઓવરમાં 24 રન આપીને ઓપનર ફિન એલન (4) અને કેપ્ટન કેન વિલિયમ્સન (46)ની વિકેટ ઝડપી હતી. ડેરીલ મિચેલ 35 બોલમાં 53 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

પાકિસ્તાન આ ચોથી વાર વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યું હતું અને ચારેય વાર જીત્યું છે. આ બે ટીમ 1992 અને 1999માં ODI વર્લ્ડ કપમાં અને 2007 તથા 2022માં T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં સામસામી રમી હતી.