ભારતને વિજેતાપદ મળેઃ સૂર્યકુમારના માતાએ માની છે માનતા

એડીલેડઃ T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં આજે બીજી સેમી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. જે ટીમ જીતશે તે 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઈનલમાં પાકિસ્તાન સામે રમશે. ભારત આ વર્લ્ડ કપ જીતે એ માટે ટીમના સફળ બેટર સૂર્યકુમાર યાદવના માતા સ્વપ્નાદેવીએ એક માનતા રાખી છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના હથૌડા ગામના વતની, પણ હાલ મુંબઈમાં રહેતા સૂર્યકુમારના ઘરમાં હાલ મોટા પાયે પૂજા-પાઠ, ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. બધાયની એક જ શુભેચ્છા છે કે સૂર્યકુમારના બેટમાંથી રનનો ધોધ વહેવાનું ચાલુ રહે અને ભારત આખરે વિશ્વકપ સ્પર્ધા જીતી લે. સૂર્યાના માતા સ્વપ્નાદેવીએ ભારતને વિશ્વકપ વિજેતાપદ મળે એ માટે ગત્ છઠ પર્વ વખતે છઠી મૈયાની માનતા માની હતી. ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર આ સ્પર્ધામાં ટોચના સફળ બેટ્સમેનોમાંનો એક છે. એણે વિસ્ફોટક બેટિંગ કરીને ભારતીય પ્રશંસકોને ઘેલાં કરી મૂક્યા છે.

એડીલેડમાં વરસાદ પડશે તો ભારતને ફાયદો થશે

ટીમ ઈન્ડિયા તેના બીજા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ વિજેતાપદથી માત્ર બે જીત દૂર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે એડીલેડ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામે ટકરાશે. પરંતુ એડીલેડ શહેરનું હવામાન સારું નથી. વરસાદ પડવાની સંભાવના છે. ભારતીય સમય મુજબ આજે બપોરે દોઢ વાગ્યે અને સ્થાનિક સમય મુજબ સાંજે 6.30 વાગ્યે મેચ રમાશે ત્યારે આકાશમાં વાદળો છવાઈ જવાની આગાહી છે. ધારો કે વરસાદ નહીં પડે તો પણ પવન તેજ ગતિએ ફૂંકાતો રહેશે, જેનો ફાયદો ફાસ્ટ બોલરોને થશે.

હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીએ તો, ધારો કે સેમી ફાઈનલ મેચ આજે રદ કરવામાં આવે તો આવતીકાલના રિઝર્વ્ડ દિવસે રમાશે.

ધારો કે કોઈક કારણસર રિઝર્વ દિવસે પણ મેચ રમાડી નહીં શકાય તો એ સ્થિતિમાં ભારતીય ટીમને ફાયદો થશે અને તે સેમી ફાઈનલ રમ્યા વગર પણ ફાઈનલમાં પહોંચી જશે. આઈસીસીના નિયમ અનુસાર, જો કોઈ સેમી ફાઈનલ મેચનું પરિણામ આવી ન શકે અને મેચને રદ કરવી પડે તો સુપર-12 તબક્કામાં પોતાના ગ્રુપમાં ટોપ પર રહેલી ટીમને ફાઈનલમાં રમવાનો મોકો અપાશે. ભારતીય ટીમ ગ્રુપ-2માં ટોપ પર હતી જ્યારે ઈંગ્લેન્ડ ટીમ ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડ બાદ બીજા સ્થાને હતી.