ક્રિકેટર હરભજનસિંહ AAP માટે પ્રચાર કરશે

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબમાં AAPના મુખ્ય પ્રધાન ભગવંત માન, ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંહ અને ગાયક અનમોલ ગગન માનનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરભજનસિંહ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સદસ્ય છે.

AAP પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોના નામોની યાદી ચૂંટણી પંચને સુપરત કરી દીધી છે. આ યાદીમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા, પક્ષના રાજ્યસભાના સદસ્યો – સંજય સિંબ અને રાઘવ ચઢ્ઢા, પક્ષના ગુજરાતના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું પણ આ યાદીમાં નામ છે. ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, AAPની ગુજરાત યુવા પાંખના પ્રમુખ પ્રવીણ રામ, કોળી સમાજના નેતા રાજુ સોલંકી, AAP ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનનાં વડાં ગૌરી દેસાઈનું પણ આ યાદીમાં નામ છે.