ICCની હોલ ઓફ ફેમમાં કાદિર સહિત ત્રણ ક્રિકેટરોનો સમાવેશ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ હોલ ઓફ ફેમની નવી યાદીમાં ત્રણ દિગ્ગજોને સામેલ કર્યા છે. ICCની ખાસ સૂચિમાં પાકિસ્તાનના મહાન સ્પિનર અબ્દુલ કાદિર, વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલઅને ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અબ્દુલ કાદિરે પાકિસ્તાન માટે 13 વર્ષથી વધુ સમયમાં 67 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. તેણે ટેસ્ટમાં કુલ 236 અને વનડેમાં 132 વિકેટ હાંસલ કરી હતી. કાદિરે સ્પિન બોલિંગથી અનેક યુવાઓને પ્રેરિત કર્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાનો સ્પિનર શેન વોર્ન પણ સામેલ હતો. અબ્દુલ કાદિરનો પુત્ર અને હાલ પાકિસ્તાન ટીમમાં સામેલ ઉસ્માન કાદિરે દિવંગત પિતાને મળેલા સન્માન માટે આબાર વ્યક્ત કર્યો હતો.

હોલ ઓફ ફેમમાં જગ્યા મેળવનારા અન્ય બે ક્રિકેટરોમાં ઇંગ્લેન્ડની દિગ્ગજ મહિલા ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્સ અને વેસ્ટ ઇન્ડિઝ ડાબોડી બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલ પણ સામેલ છે. એડવર્ડ્સની કેરિયરની વાત કરે તો તેણે અનેક સફળતા પોતાને નામે કરી હતી. ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન 2016માં સંન્યાસ લેતા સમયે વનડે અને T20 –બંનેમાં સૌથી વધુ રન બનાવનારી ક્રિકેટર હતી.

ચાર્લોટે 191 વનડેમાં 38.16ની સરેરાશે 5992 રન બનાવ્યા છે, જ્યારે T20માં 95 મેચોમાં તેણે 2605 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ટેસ્ટમાં 44.10ની સરેરાશથી 1676 રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશિપમાં ટીમે 2009માં છ મહિનામાં ICCની ત્રણ મુખ્ય ટ્રોફીઓ પર કબજો કર્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝના ચંદ્રપોલે 21 વર્ષની કેરિયરમાં 51.37ની સરેરાશે 11,867 ટેસ્ટ રન બનાવ્યા હતા. તેણે 30 સેન્ચુરી ફટકારી હતી. તેણે વનડેમાં 41.60ની સરેરાશે 8778 રન બનાવ્યા હતા. જોકે ICCની હોલ ઓફ ફેમમાં ભારતના સાત દિગ્ગજ પહેલેથી સામેલ છે, જેમાં વિનોદ માંકડ, સુનીલ ગાવસકર, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, અનિલ કુંબલે, કપિલ દેવ અને બિશન સિંહ બેદીનું નામ છે.