પૂજારા પાસેથી ઘણું શીખવા-જેવું છે: મોહમ્મદ રિઝવાન

લંડનઃ પાકિસ્તાનના વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે તે અહીં રમાતી કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 સ્પર્ધામાં સસેક્સ ટીમમાં તેના સાથી ખેલાડી ચેતેશ્વર પૂજારા પાસેથી ઘણું શીખવા માગે છે, કારણ કે પૂજારાએ તેની બેટિંગમાં ઘણો સુધારો કર્યો છે.

ટેસ્ટ ક્રિકેટના સ્પેશિયાલિસ્ટ કહેવાતા પૂજારાએ કાઉન્ટી સ્પર્ધામાં બે સેન્ચૂરી અને બે ડબલ સેન્ચૂરી ફટકારીને રનનો ધોધ વહાવ્યો છે અને ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરવાનો જોરદાર દાવો દર્શાવ્યો છે. સસેક્સ વતી રમતાં પૂજારા અને રિઝવાને ડરહામ ટીમ સામેની મેચમાં 154 રનની ભાગીદારી કરી હતી. રિઝવાનને વર્ષ 2021 માટે ‘આઈસીસી પ્લેયર ઓફ ધ યર’ ઘોષિત કરવામાં આવ્યો છે. એણે ટ્વીટમાં લખ્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો ટકરાવ જાણીતો છે, પણ મને તો પૂજારાની સાથે રમવાનું જરાય અજુગતું લાગ્યું નથી. તમે મારા વિશે એને પૂછશો તો એ આવો જ જવાબ આપશે. હું ઘણી વાર એની મજાક કરું, એને ચીડવું. એ બહુ જ સારો અને પ્રેમાળ વ્યક્તિ છે. અને એટલું જ સરસ બેટિંગ પ્રતિ એનું ફોકસ અને એકાગ્રતા છે. એની પાસેથી ઘણું શીખવા જેવું છે.