મુંબઈ – ટ્વેન્ટી20 ઓવરોવાળી વિશ્વની સૌથી લોકપ્રિય અને સ્પર્ધાત્મક ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મોસમ આ વર્ષે 7મી એપ્રિલથી શરૂ થશે. એ દિવસે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્પર્ધાની ઉદઘાટન વિધિ થશે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે ઉદઘાટન સમારોહ 6 એપ્રિલે યોજાશે, પણ હવે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના આદેશાનુસાર તારીખમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉ ઉદઘાટન સમારોહ 6 એપ્રિલે વાનખેડેને બદલે સીસીઆઈ ક્લબ એટલે કે બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજવાનું નક્કી કરાયું હતું, પણ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના આદેશને પગલે સમારોહ વાનખેડેમાં યોજાશે. વળી, એની પાછળ થનાર ખર્ચમાં પણ 20 કરોડ રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ઉદઘાટન સમારોહ પ્રારંભિક મેચની પૂર્વે યોજવામાં આવશે.
પહેલા દિવસની મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વચ્ચે ટકરાશે. ચેન્નાઈ ટીમ બે વાર ચેમ્પિયન બની ચૂકી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ બે વર્ષ બાદ આ સ્પર્ધામાં પુનરાગમન કરી રહી છે.
આ બંને ટીમના સત્તાધિશો સ્પર્ધાની 2013ની આવૃત્તિ વખતે સટ્ટાખોરીમાં સંડોવાતાં બેઉ ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આઈપીએલ-11 સ્પર્ધા કુલ 51 દિવસ સુધી ચાલશે અને તેની મેચો દેશભરમાં 9 સ્થળોએ રમાશે.
ક્વોલિફાયર-1 મેચની વિજેતા ટીમ અને ક્વોલિફાયર-2 મેચની વિજેતા ટીમ વચ્ચેની ફાઈનલ મેચ 27 મેએ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.