T20 ટ્રાઈ-સિરીઝ રમવા શ્રીલંકા પહોંચી ટીમ ઈન્ડિયા; 6 માર્ચે શ્રીલંકા સામે પહેલી મેચ

કોલંબો – રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની ત્રિકોણીય શ્રેણી રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારત અને શ્રીલંકા ઉપરાંત આ સિરીઝમાં બાંગ્લાદેશ પણ રમશે.

આ સિરીઝમાંથી પસંદગીકારોએ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓને આરામ અપાયો છે.

નિદાહાસ ટ્રોફી માટેની આ શ્રેણીની પહેલી મેચ 6 માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 18 માર્ચે કોલંબોમાં રમાશે. સિરીઝની બધી મેચો કોલંબોમાં પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે. મેચો સ્થાનિક અને ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. 8 માર્ચે ભારત અને બાંગ્લાદેશ, 10 માર્ચે શ્રીલંકા અને બાંગ્લાદેશ, 12 માર્ચે ફરી ભારત અને શ્રીલંકા, 14 માર્ચે ભારત અને બાંગ્લાદેશ અને 16 માર્ચે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. બંને રાઉન્ડને અંતે બે શ્રેષ્ઠ ટીમ ફાઈનલમાં ટકરાશે.

નવા લૂકવાળી ભારતીય ટીમ આ સિરીઝ જીતવા માટે ફેવરિટ છે અને સફળતા મેળવવા આતુર છે.

પસંદગીકારોએ આ શ્રેણી માટે અમુક નવા ચહેરાઓને સામેલ કરીને અમુક પ્રયોગ કરવાનું પસંદ કર્યું છે.

અત્યાર સુધી માત્ર બે જ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમનાર વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંત (20) અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (23)ને આ શ્રેણીમાં રમવાની તક આપી છે.

પંતે એક સ્થાનિક T20 મેચમાં દિલ્હી વતી રમતાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં આ સદી બીજા નંબરની ફાસ્ટેસ્ટ છે. રેકોર્ડ ક્રિસ ગેઈલના નામ છે – 30 બોલમાં સદીનો, જે એણે 2013ની આઈપીએલ સ્પર્ધામાં ફટકારી હતી.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, યૂઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત (વિકેટકીપર).