તિરુવનંતપુરમઃ ઓનલાઈન રમી રમત રમવાથી તેના વ્યસની બની જવાય છે અને યુવા લોકોને વ્યસની બનાવવામાં બ્રાન્ડ એમ્બેસેડરો મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવો આક્ષેપ કરીને ઓનલાઈન રમી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક પીટિશનને ધ્યાનમાં લઈને કેરળ હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી તથા અભિનેત્રી તમન્ના ભાટિયા અને મલયાલમ અભિનેતા-નિર્માતા અજુ વર્ઘીઝને નોટિસ મોકલાવી છે.
કોહલી, તમન્ના અને વર્ઘીઝ ઓનલાઈન રમીના બ્રાન્ડ એમ્બેસેડર છે તેથી એમને નોટિસ મોકલવામાં આવી છે. હાઈકોર્ટે કેરળ સરકારને પણ નોટિસ મોકલી છે અને આ બાબતમાં તેનો પ્રતિસાદ આપવાનો આદેશ આપ્યો છે. અરજદારે કોર્ટને ફરિયાદ કરી છે કે ઓનલાઈન રમી ગેમ રમીને મોટી રકમની ખોટ ગયા બાદ દેશમાં અનેક લોકોએ એમના જાન ગુમાવ્યા છે તેથી આ રમત પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એક પખવાડિયા પહેલા તિરુવનંતપુરમમાં વીનિત નામના એક 27 વર્ષીય યુવાને ઓનલાઈન રમી રમતમાં 21 લાખ રૂપિયા હારી જતાં એણે આત્મહત્યા કરી હતી.