ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતાં ફરી હોસ્પિટલમાં દાખલ

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન સૌરવ ગાંગુલીને આજે બપોરે છાતીમાં ગભરામણ થતાં અને સહેજ દુખાવો ઉપડતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમને આજે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રેના સોલ્ટ લેક વિસ્તારની ખાનગી હોસ્પિટલ, વૂડલેન્ડ્સ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી ટ્રીટમેન્ટ કરાયા બાદ એક મહિનાની અંદર જ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. એપોલો હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે ગાંગુલી એમના હૃદયનું ચેકઅપ કરાવવા માટે આવ્યા છે. એમને છેલ્લે હોસ્પિટલમાં જે સારવાર આપવામાં આવી હતી ત્યારપછી એમના હૃદયના પરિમાણોમાં કોઈ ફેરફાર થયો નથી. હૃદયના મહત્ત્વના પરિમાણો સ્થિર છે.

48-વર્ષના ગાંગુલીએ આ મહિનાના આરંભમાં એમના ઘરમાં કસરત કરતી વખતે ચક્કર આવતા હોવાની અને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એમને હૃદયરોગનો હળવો હુમલો આવ્યો હોવાનું અને એમના હૃદયની ત્રણ નળી બ્લોક થઈ ગયાનું નિદાન થયું હતું. ત્યારબાદ એમની એન્જિયોપ્લાસ્ટી સારવાર કરવામાં આવી હતી. એ પછી એમની તબિયત સારી થઈ જતાં એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.