ઈન્જર્ડ હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં નહીં રમે

ધરમસાલાઃ ભારતનો વાઈસ-કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આવતા રવિવારે અહીં ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વર્લ્ડ કપ-2023ની મેચમાં નહી રમે. એને ગઈ કાલે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી, પરિણામે એને માત્ર ત્રણ બોલ ફેંક્યા બાદ મેદાન છોડી જવાની ફરજ પડી હતી. એ ઘટના બાંગ્લાદેશના દાવ વખતે 9મી ઓવર વખતે થઈ હતી. બેટર લિટન દાસે ફટકારેલા બોલને જમણા પગથી રોકવા જતાં એ લપસી ગયો હતો. શરીરનો બધો ભાર ડાબા પગ પર આવી ગયો હતો, પરિણામે એ કણસવા લાગ્યો હતો.

ટીમના ફિઝિયોથેરપિસ્ટ તરત જ મેદાન પર દોડી ગયા હતા અને પંડ્યાનો પ્રાથમિક ઉપચાર કર્યો હતો, પરંતુ પંડ્યા આગળ રમી શકે એવી સ્થિતિમાં નહોતો અને પેવિલિયનમાં પાછો ફર્યો હતો. એની અધૂરી ઓવર વિરાટ કોહલીએ ઓફ્ફ-બ્રેક બોલ ફેંકીને પૂરી કરી હતી.

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાર્દિક પંડ્યાની ઈજાના સ્કેન લેવામાં આવ્યા છે અને તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેની સ્થિતિ પર બીસીસીઆઈની મેડિકલ ટીમનું સતત નિરીક્ષણ રહેશે. એ 20 ઓક્ટોબરે ટીમના અન્ય સાથીઓની ભેગો ધરમસાલાની ફ્લાઈટમાં નહીં જાય. તે સીધો લખનઉ જશે જ્યાં ભારતીય ટીમ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. મોટે ભાગે તે મેચમાં રમવા માટે પંડ્યા ફિટ થઈ જશે એવી ધારણા છે.