રાજકોટ T20I મેચમાં ભારતને ૪૦-રનથી હરાવી ન્યૂ ઝીલેન્ડે સિરીઝ જીવંત રાખી

રાજકોટ – પ્રવાસી ન્યૂ ઝીલેન્ડ ટીમે અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન પર આજે ભારતને બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ૪૦-રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝને ૧-૧થી સમાન કરી છે અને સિરીઝમાં રસ જાળવી રાખ્યો છે.

કોલીન મુનરો – મેન ઓફ ધ મેચ

હવે ૭ નવેમ્બરે તિરુવનંતપુરમની મેચ સિરીઝનો ફેંસલો કરશે.

ભારતે દિલ્હીમાં પહેલી મેચ ૫૩-રનથી જીતી હતી.

ન્યૂ ઝીલેન્ડની આજની મેચનો હીરો છે એનો ઓપનર કોલીન મુનરો, જેણે માત્ર ૫૮ બોલમાં ૧૦૯ રન ઝૂડી કાઢ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. તેની આ સદીના જોરે ન્યૂ ઝીલેન્ડે તેની ૨૦ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે ૧૯૬ રનનો ચેલેન્જિંગ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ભારતની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૫૬ રન બનાવી શકી હતી. એકમાત્ર કેપ્ટન વિરાટ કોહલી ૬૫ રન કરીને પ્રવાસી બોલરોને ટક્કર આપી શક્યો હતો.

ઓપનર કોલીન મુનરો – ૫૮ બોલમાં ૧૦૯ રન કરી નોટઆઉટ

ઓપનર કોલીન મુનરો

ભારતના દાવમાં, ન્યૂ ઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ૩૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.

૧૯૭ રનના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતે બંને ઓપનર શિખર ધવન (૧) અને રોહિત શર્મા (૫)ને સસ્તામાં ગુમાવી દીધા હતા. બોલ્ટે એ બંનેની વિકેટ પાડી હતી.

ત્યારબાદ શ્રેયસ ઐયર (૨૩)ને મુનરોએ આઉટ કર્યો હતો અને હાર્દિક પંડ્યા માત્ર એક રન કરીને લેગસ્પિનર ઈશ સોઢીની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ન્યૂ ઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ – ભારતની ચાર વિકેટ લીધી

વિરાટ કોહલી અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (૪૯)એ પાંચમી વિકેટ માટે ૫૬ રન ઉમેર્યા હતા, પણ ભારત ક્યારેય જીતની નજીક પહોંચી શક્યું નહોતું.

૩૪ ટ્વેન્ટી-20 મેચમાં બીજી સદી ફટકારનાર મુનરોને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી – ૬૫ રન કર્યા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]