અનામત મુદ્દે સોનિયા ગાંધી લેશે આખરી નિર્ણય: હાર્દિક પટેલ

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા કોંગ્રેસ પાર્ટી માટે આશાનું કિરણ બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામતને લઈને મોટી જાહેરાત કરી છે. હાર્દિક પટેલે અનામત મુદ્દે કોંગ્રેસ પાર્ટી સાથે ચાલી રહેલી વાતચીતના સંદર્ભમાં કહ્યું કે, આ અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી કરશે.

હાર્દિકે કહ્યું કે, અનામતને લઈને કાયદાકીય મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ અંગે જાણીતા વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ગુજરાત અનામતને લઈને તમામ પાસાંઓથી માહિતગાર છે.

હાર્દિક પટેલે અનામતને લઈને કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા હવે નવી તારીખનો ઉલ્લેખ કર્યો છે. હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ 8 નવેમ્બર સુધીમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં હાર્દિકે 7 નવેમ્બરની ડેડલાઈન આપી હતી અને રાહુલ ગાંધીની સુરતની રેલીનો વિરોધ નહીં કરવા જણાવ્યું હતું. વધુમાં હાર્દિકે કહ્યું કે, અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સાર્વજનિકરુપે હું આ મામલે કંઈ જ કહી શકું નહીં.

હાર્દિકની પ્રતિક્રિયા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કપિલ સિબ્બલે અનામત મુદ્દે પોતાનો રીપોર્ટ સોનિયા ગાંધીને સુપ્રત કરી દીધો છે. હવે આ અંગે સોનિયા ગાંધી નિર્ણય કરશે. કપિલ સિબ્બલના જણાવ્યા મુજબ તેમના રીપોર્ટમાં દેશના અન્ય રાજ્યોમાં અનામતની સ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]