શિખર ધવન ખભાની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડમાં T20I સિરીઝમાંથી આઉટ

મુંબઈ – ઓપનર શિખર ધવન ખભાની ઈજાને કારણે 24 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનાર ટીમ ઈન્ડિયાની પાંચ T20I મેચોની સિરીઝમાં રમી નહીં શકે.

ધવનને આ ઈજા હાલમાં બેંગલુરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે થઈ હતી.

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમ ગઈ કાલે ઓકલેન્ડ જવા માટે રવાના થઈ હતી. એ ટીમની સાથે ધવન ગયો નહોતો. એની જગ્યાએ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરાશે એનું નામ પસંદગીકારોએ હજી જાહેર કર્યું નથી.

બેંગલુરુ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાના દાવ વખતે કેપ્ટન આરોન ફિન્ચે ફટકારેલા એક શોટ વખતે કવર સ્થાને ઊભેલા ધવને બોલને છલાંગ મારીને અટકાવવા જતાં એને ખભામાં ઈજા થઈ હતી. એ ઈજા થયા બાદ ધવન ફિલ્ડિંગ કરવા પાછો મેદાનમાં આવ્યો નહોતો.

બેંગલુરુ મેચમાં ભારત 7-વિકેટથી જીતી ગયું હતું અને એ સાથે જ શ્રેણી પણ જીતી ગયું હતું. તે મેચ બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નિમેલા મિડિયા મેનેજરે કહ્યું હતું કે ધવનની ઈજાનું અવલોકન કરાશે અને ધવન ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં જઈ શકશે કે કેમ તે વિશે શંકા છે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચો રમશે. 24 જાન્યુઆરીએ પહેલી ટ્વેન્ટી-20 મેચ સાથે ભારતીય ટીમનો પ્રવાસ શરૂ થશે.

નોંધી લો ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમઃ

(બધી મેચો ભારતીય સમય મુજબ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે)

પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોઃ

પહેલી T20 : 24 જાન્યુઆરી – ઈડન પાર્ક (ઓકલેન્ડ)
બીજી T20 : 26 જાન્યુઆરી – ઈડન પાર્ક (ઓકલેન્ડ)
ત્રીજી T20 : 29 જાન્યુઆરી – સેડન પાર્ક (હેમિલ્ટન)
ચોથી T20 : 31 જાન્યુઆરી – વેસ્ટપેક સ્ટેડિયમ (વેલિંગ્ટન)
પાંચમી T20 : 2 ફેબ્રુઆરી – બૅ ઓવલ (માઉન્ટ મોન્ગેનુઈ)


3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોઃ

(બધી મેચો ભારતીય સમય મુજબ સવારે 7.30 વાગ્યે શરૂ થશે)

પહેલી વન-ડે મેચ : 5 ફેબ્રુઆરી – સીડન પાર્ક (હેમિલ્ટન)
બીજી વન-ડે મેચ : 8 ફેબ્રુઆરી – ઈડન પાર્ક (ઓકલેન્ડ)
ત્રીજી વન-ડે મેચ : 11 ફેબ્રુઆરી – બૅ ઓવલ (માઉન્ટ મોન્ગેનુઈ)


બે ટેસ્ટ મેચોઃ

(બંને મેચ ભારતીય સમય મુજબ સવારે 4 વાગ્યે શરૂ થશે)

પહેલી ટેસ્ટ મેચ : 21-25 ફેબ્રુઆરી – બેઝીન રિઝર્વ (વેલિંગ્ટન)
બીજી ટેસ્ટ મેચ : 29 ફેબ્રુઆરી- 4 માર્ચ – હેગ્લી ઓવલ (ક્રાઈસ્ટચર્ચ)