મનુ ભાકરઃ કાચી વયે નિશાનબાજીમાં મારી સુવર્ણ બાજી

ભારતીય ખેલકૂદ ક્ષેત્રની નવી ગોલ્ડન ગર્લઃ મનુ ભાકર

16 વર્ષ… આ ઉંમરે જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે હરિયાણાની છોકરી મનુ ભાકરે ઈતિહાસ સર્જી દીધો છે. શૂટિંગની રમતમાં એક્સપર્ટ થઈ ગયેલી મનુએ 8 એપ્રિલે ગોલ્ડ કોસ્ટમાં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટરની એર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો. જોકે મનુની આ સિદ્ધિ કરતાંય મોટી સિદ્ધિ ગયા વર્ષના ડિસેમ્બરમાં હતી, જેમાં એણે મેક્સિકોમાં શૂટિંગની વર્લ્ડ કપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને સ્પર્ધામાં એણે ડેબ્યૂ કર્યું અને પહેલા જ ભડાકે ગોલ્ડ જીતવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.

11મા ધોરણમાં ભણતી મનુ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ, બંનેમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવાન વયની ભારતીય શૂટર બની છે.

શૂટિંગની રમતમાં આમેય ભારત ઓલિમ્પિક મેડલવિજેતા અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, જિતુ રાય, હીના સિધુ જેવા ખેલાડીઓને કારણે પાવરહાઉસ ગણાય છે.  પરંતુ હવે મનુ ભાકરની એન્ટ્રીને કારણે આ રમતમાં ભારતની બોલબાલા ખૂબ વધી ગઈ છે.

હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં જન્મેલી મનુને એની યૂનિવર્સલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં માત્ર બે જ વર્ષ પહેલાં શૂટિંગની રમત રમવા મળી હતી અને સૌનાં આશ્ચર્ય વચ્ચે એણે ગજબની, અવ્વલ દરજ્જાની નિશાનબાજી બતાવી.

મનુએ ત્યારબાદ એક ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. એ સ્થળ એનાં ઘરથી 22 કિ.મી. દૂર હતું. એને દરરોજ પાંચ કલાક પ્રવાસ કરીને ટ્રેનિંગ સેન્ટર ખાતે જવું પડતું હોય છે.

મનુ માત્ર બે જ વર્ષમાં શૂટિંગમાં પ્રોફેશનલ બની ગઈ છે. જોકે એ બીજી ઘણી રમતોમાં પણ પાવરધી છે. એ સ્કેટિંગમાં સ્ટેટ લેવલની ચેમ્પિયન બની ચૂકી છે. એ ટેનિસ અને સ્વિમિંગનો પણ ઘણો શોખ છે અને આ રમતોની પણ એ સારી ખેલાડી છે.

એણે એથ્લેટિક્સમાં પણ મેડલ જીત્યા છે, કરાટેમાં નેશનલ સ્પર્ધામાં મેડલ જીત્યો છે અને ‘તાંગ તા’ નામની મણીપુરી માર્શલ આર્ટમાં એણે ગોલ્ડ મેડલ જીત્યો છે.

પહેલા સાઈના નેહવાલ હતી, ત્યારબાદ રિયો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સનો રજતચંદ્રક જીતનાર પી.વી. સિંધુ ભારતની ગોલ્ડન ગર્લ કહેવાઈ, પણ હવે મનુ ભાકર એ બિરુદ મેળવવા માટે પાત્ર બની છે.

મનુનો નેક્સ્ટ ટાર્ગેટ?

2018નું વર્ષ મનુ માટે ખૂબ મહત્વનું છે. સિનિયર અને જુનિયર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયા બાદ અને મેડલ જીત્યા બાદ એણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક પર સફળતાપૂર્વક નિશાન તાક્યું છે અને હવે એનો ટાર્ગેટ છે બ્યુનોસ આયર્સ ખાતેની યુથ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ.

શૂટિંગની રમતમાં સંપૂર્ણ સ્તરે જોડાયા બાદ ગયા વર્ષના ડિસેમ્બરમાં મનુ ભાકરે રાષ્ટ્રીય સ્પર્ધામાં 15 મેડલ જીત્યા હતા. એ ત્રણેય કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન બની હતી.

વર્લ્ડ કપમાં અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા બાદ મનુ ભાકર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સેવી રહી છે.

મનુનો ધ્યેય સ્પષ્ટ છેઃ ‘હું મારાં દેખાવમાં સાતત્ય જાળવી રાખવા માગું છું.’ મનુને માત્ર એક જ બાબતમાં ઝડપથી એડજસ્ટ થવાની જરૂર જણાય છે અને તે છે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રેશર. જોકે એ તેનો સામનો કરવા માટે સજ્જ થઈ રહી છે.