નીરવ મોદી, મેહુલ ચોક્સી સામે મુંબઈની કોર્ટે ઈસ્યૂ કર્યું બિન-જામીપાત્ર અરેસ્ટ વોરંટ

મુંબઈ – કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ કરેલી વિનંતીને પગલે અત્રે સીબીઆઈ વિશેષ અદાલતે ડાયમંડ જ્વેલર નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોક્સી સામે આજે બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યું છે. આ વોરંટ કોર્ટે પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની કરાયેલી છેતરપીંડી કેસના સંબંધમાં ઈસ્યૂ કરાયું છે.

2018ના ફેબ્રુઆરીમાં એવું માલૂમ પડ્યું હતું કે પીએનબીની મુંબઈસ્થિત શાખામાંથી અલાહાબાદ બેન્ક અને એક્સિસ બેન્કની હોંગ કોંગ શાખાઓની ફેવરમાં લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ગેરકાયદેસર રીતે ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. એ લેટર્સની મદદથી જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી તથા અન્યોએ રૂ. 280.7 કરોડની છેતરપીંડી કરી હતી.

સીબીઆઈ એજન્સીમાં કરાયેલી એફઆઈઆર અનુસાર, પીએનબીના અધિકારીઓ શેટ્ટી અને ખરાતે ઉચિત પ્રક્રિયાને અનુસર્યા વિના બાયર્સ ક્રેડિટ વધારવા માટે તેમજ પીએનબીના નોસ્ટ્રો એકાઉન્ટ્સમાં ફન્ડિંગ માટે ઉપર જણાવેલી બેન્કોને ત્વરિત સૂચનાનો અમલ કરવા જણાવ્યું હતું. લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ડાયમંડ આર યૂએસ, સોલર એક્સપોર્ટ્સ, સ્ટેલર ડાયમંડ્સ માટે ઈસ્યૂ કરાયા હતા.

નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોક્સી હાલ ભારતમાંથી ફરાર છે. પીએનબી સાથે છેતરપીંડી થયાનું બહાર આવ્યા બાદ નીરવ મોદી તથા અન્યોની સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

વાસ્તવમાં, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે ઈસ્યૂ કરાયેલું આ બીજું બિન-જામીનપાત્ર વોરંટ છે. ગયા માર્ચ મહિનામાં પણ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તપાસ એજન્સીની વિનંતીને પગલે બંને જણ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]