નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વીકે ઓઝાને ઉચાપત મામલે મુલતાઈ પોલીસે ધરપકડ કરી છે. નમનના પિતા પર બેન્ક મેનેજરના પદે રહેતા રૂ. સવા કરોડની ઉચાપતનો આરોપ છે. પોલીસે વીકે ઓઝાને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. પોલીસ સ્ટેશનમાં નમન ઓઝા પણ હાજર હતો અને પિતાના જામીનના પ્રયાસ કરતો હતો, પણ જામીન ના મળ્યા, જે પછી નમન બૈતુલની એક હોટલમાં ચાલ્યો ગયો હતો.
બેન્ક ઓફ મહારાષ્ટ્રની જૌલખેડા શાખામાં વર્ષ 2013માં આશરે રૂ. સવા કરોડ રૂપિયાનો ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. આ મામલે વર્ષ 2014માં તત્કાળ મેનેજર રહેલા નમનના પિતા વિનય ઓઝા પર એક FIR નોંધ્યો હતો. પોલીસે વીકે ઓઝાની ધરપકડ કરી છે.
નમન ઓઝા ભારતનો જાણીતો ક્રિકેટર છે. તેણે તેની કેરિયરમાં એક ટેસ્ટ, એક વનડે અને બે T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ સિવાય નમને IPL મેચ પણ રમી છે. ટેસ્ટમાં નમને 56 રન, વનડેમાં એક રન અને T-20માં 12 રન છે. તેણે 2021માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
