ધર્મપરિવર્તન કરવા દાનિશ કનેરિયા પર શાહિદ અફરીદીએ દબાણ કર્યું હતું?

કરાચીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર અને હિન્દૂ ધર્મી નાગરિક દાનિશ કનેરિયાએ ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ અફરિદી પર આરોપ મૂક્યો છે કે પોતાનું ઈસ્લામમાં ધર્મપરિવર્તન કરાવવાનો એણે પ્રયત્ન કર્યો હતો. 42-વર્ષીય કનેરિયાએ કહ્યું છે કે પાકિસ્તાનના માત્ર એક જ કેપ્ટને પોતાને ટેકો આપ્યો હતો અને તે છે ઈન્ઝમામ-ઉલ-હક. જ્યારે બીજા મોટા ભાગના કેપ્ટનોએ પોતાને ખૂબ જ તકલીફ આપી હતી.

2000ની સાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર કનેરિયા પાકિસ્તાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 61 ટેસ્ટમાં 261 વિકેટ લીધી હતી. દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ એણે 15 વખત હાંસલ કરી હતી જ્યારે મેચમાં 10-વિકેટ લેવાની સિદ્ધિ બે વાર હાંસલ કરી હતી.

એણે આજતક ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ક્રિકેટ કારકિર્દીના દિવસોમાં તેની સાથે ધર્મના મામલે ભેદભાવ કરવામાં આવ્યો હતો. પોતાને ધર્મપરિવર્તન કરાવવા માટે શાહિદ અફરિદી સતત કીધા કરતો હતો.

શોએબ અખ્તર, શાહિદ અફરિદી તથા બીજા ઘણા પાકિસ્તાની ખેલાડીઓ મને ખૂબ જ પરેશાન કરતા હતા અને મારી સાથે ખાવાનું ટાળતા હતા. તેઓ મારી સાથે ધર્મપરિવર્તન કરવાની વાતો કરતા હતા, પરંતુ મારો ધર્મ મારે માટે સર્વસ્વ છે. મને ધર્મપરિવર્તન કરવાનું કહેનારાઓમાં શાહિદ અફરિદી મુખ્ય હતો. એણે એવું મને વારંવાર કહ્યું હતું. ઈન્ઝમામ-ઉલ-હકે ક્યારેય મને એવું કહ્યું નહોતું. હું હિન્દૂ હતો અને ક્રિકેટના બધા રેકોર્ડ તોડું એ કારણસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મને સપોર્ટ કર્યો નહોતો. મારા દેખાવને ધ્યાનમાં લેતાં તેઓ મને ટીમમાંથી પડતો મૂકી શક્યા નહોતા. એમને ખબર હતી કે હું બધા રેકોર્ડ તોડી શકું એમ છું. આટલા ઉંચા સ્તરે પાકિસ્તાનમાં એકેય હિન્દૂ ક્યારેય પહોંચી શક્યો નથી. ભારતે તો દરેક જણને તક આપી છે.

કનેરિયા છેલ્લે 2012માં તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ રમ્યો હતો.