આઈપીએલ 11: મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ટિકિટોનું વેચાણ શરૂ કર્યું

મુંબઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં ત્રણ વખત ચેમ્પિયન બનનાર અને ગયા વર્ષની સ્પર્ધામાં વિજેતા રહેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ વખતની સ્પર્ધા – જે આઈપીએલ-11 હશે, તે માટે પોતાની પહેલી મેચ માટેની ટિકિટોનું વેચાણ આજથી શરૂ કરી દીધું છે. આ પહેલી મેચ સાત એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાશે.

ટિકિટો મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વેબસાઈટ www.mumbaiindians.com પરથી ખરીદી શકાશે.

ટિકિટની કિંમત રૂ. 800થી રૂ. 8000 સુધીની છે. ચાહકો મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કોઈ પણ હોમ મેચ માટેની ટિકિટ ખરીદી શકશે. માત્ર 14 એપ્રિલે દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચની તમામ ટિકિટો રિલાયન્સ ફાઉન્ડેશનની સામાજિક ઝુંબેશ એજ્યૂકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકો માટે અનામત રાખવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે શારીરિક રીતે વિકલાંગ ક્રિકેટચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેઓ માટે ‘વિજય મરચંટ બ્લોક L લેવલ 1’ની પહેલી બે હરોળ અનામત રાખવામાં આવી છે. એવા દિવ્યાંગ ચાહકોને ‘સ્પેશિયલ પલટન’ નામ આપવામાં આવ્યું છે. તેઓ પણ ક્રિકેટ મેચો લાઈવ જોવાનો લ્હાવો માણી શકે એ માટે એમને માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, એવું ક્લબ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે.

દિવ્યાંગ ક્રિકેટપ્રેમીઓ માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સીટિંગ વ્યવસ્થા એવી રીતે ઉપલબ્ધ રખાશે જેથી એક દિવ્યાંગ વ્યક્તિ એની સાથે આવેલી એક વ્યક્તિની સાથે બેસી શકશે.