‘કોચ રમેશ પોવારે મારું અપમાન કર્યું, વહીવટકાર ડાયના એડલજીએ પક્ષપાત કર્યો’: મિતાલી રાજનો આરોપ

મુંબઈ – હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધાની સેમી ફાઈનલમાં 8-વિકેટથી હારી ગઈ એમાં મોટો વિવાદ થયો છે અને અનુભવી બેટ્સમેન મિતાલી રાજનાં આરોપને કારણે વિવાદ ઘેરો બન્યો છે. મિતાલીએ કહ્યું છે કે ટીમના કોચ રમેશ પોવારે તેનું અપમાન કર્યું હતું.

મિતાલી આટલેથી અટકી નથી અને કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ના સભ્ય ડાયના એડલજી પર એવો આક્ષેપ કર્યો છે કે એમણે પોતાની સાથે પક્ષપાત રાખ્યો હતો.

મિતાલી ફોર્મમાં હોવા છતાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી તે સેમી ફાઈનલ મેચમાં એને સામેલ કરવામાં આવી નહોતી. ભારત તે મેચ જીતવા માટે ફેવરિટ હતું તે છતાં હારી ગયું હતું. મિતાલીને ઈલેવનમાં સામેલ ન કરવાના નિર્ણયનો ખૂબ વિરોધ થયો છે.

મિતાલીએ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને એક પત્ર લખીને પોતાની હૈયાવરાળ કાઢી છે. એણે લખ્યું છે કે, મારી 20 વર્ષ લાંબી કારકિર્દીમાં આ પહેલી જ વાર હું અપમાનિત થઈ છું, ભાંગી પડી છું. મને એવું વિચારવાની ફરજ પડી છે કે શું દેશ માટે મારી સેવાનું હવે કોઈ મૂલ્ય રહ્યું નથી? સત્તામાં રહેલા અમુક લોકો મારી કારકિર્દીને ખતમ કરવા માગે છે અને એમણે મારો આત્મવિશ્વાસ તોડી નાખ્યો છે.

મિતાલીએ લખ્યું છે કે અમે વેસ્ટ ઈન્ડિઝ (વર્લ્ડ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધાના સ્થળ)એ આગમન કર્યું ત્યારથી મને કોચ (રમેશ પોવાર) સાથે તકલીફ શરૂ થઈ હતી. મારી પ્રત્યે એમનું વર્તન અયોગ્ય અને વાંધાજનક હતું, પરંતુ મેં એની બહુ પરવા કરી નહોતી. એમના માટે ટીમમાં મારું કોઈ અસ્તિત્વ જ નહોતું.

મિતાલીએ પત્રમાં ચોખવટ કરી છે કે પોતાને કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે કોઈ વેર કે ઘૃણા નથી, પરંતુ મને સેમી ફાઈનલમાંથી બાકાત રાખવાના નિર્ણયને એણે કરેલા સમર્થનથી મને દુઃખ થયું છે.

હરમનપ્રીતે મિતાલી રાજને ટીમમાંથી બાકાત રાખવાના નિર્ણયની સેમી ફાઈનલ મેચની હાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બચાવ કર્યો હતો. એણે એમ કહ્યું હતું કે અમે જે કંઈ પણ નિર્ણય લીધો હતો એ ટીમને માટે લીધો હતો. ક્યારેક એ સફળ થાય ક્યારેક ન થાય. અમને એનો કોઈ અફસોસ નથી.

મિતાલીએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઓપરેશન્સ જનરલ મેનેજર સબા કરીમને લખેલા પત્રમાં CoAનાં સદસ્ય ડાયના એડલજી પર પક્ષપાતનો આરોપ મૂકતા કહ્યું કે મેં હંમેશાં એડલજી પર વિશ્વાસ રાખ્યો હતો, એમનો આદર કર્યો હતો, પણ મેં ક્યારેય સપનામાંય વિચાર્યું નહોતું કે એ મારી વિરુદ્ધ પોતાનાં પદનો ઉપયોગ કરશે. મને સેમી ફાઈનલ મેચમાંથી બાકાત રાખવાનાં એમના સમર્થનથી મને દુઃખ થયું છે, કારણ કે એમને અસલી હકીકતની જાણ હતી.

મિતાલીએ કહ્યું કે હું પહેલી જ વાર દેશ માટે વર્લ્ડ કપ જીતવા માગતી હતી, પણ મને દુઃખ છે કે આપણે એક સારો મોકો ગુમાવી દીધો. કોચ પોવારનો મારી સાથેનો વ્યવહાર શરૂઆતથી જ ઠીક નહોતો. હું આસપાસમાં બેઠી હોઉં તો એ મારી અવગણના કરીને જતા રહેતા હતા. બીજી ખેલાડીઓ નેટ પર બેટિંગ કરતી ત્યારે એમને જોવામાં સમય કાઢતા હતા, પણ હું બેટિંગ કરતી ત્યારે ત્યાં રોકાતા નહોતા અને હું એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી તો પોતાનો ફોન જોવા મંડી પડતા હતા. આ બધું બહુ અપમાનજનક હતું અને સૌને એની ખબર હતી કે મને અપમાનિત કરવામાં આવી રહી હતી.

ટીમના કોચ તરીકે રમેશ પોવારની મુદત 30 નવેમ્બરે પૂરી થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]