મેસ્સીને પ્રેક્ટિસ કરતો જોવા માટે રશિયન ચાહકો ટોળે વળ્યાં

બ્રોનિત્સી (રશિયા) – આર્જેન્ટિનાનાં સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને નજીકથી નિહાળવાનો મોકો મળતાં રશિયન ચાહકો ખૂબ ઘેલા થઈ ગયા હતા. આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ 2018ની ફિફા વર્લ્ડ કપની તૈયારી રૂપે અહીં પહેલી જ વાર ખુલ્લી જગ્યાએ પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ચાહકો ટોળે વળ્યા હતા. તેઓ ખાસ કરીને મેસ્સીને જોવા ભેગા થયા હતા.

એક નદીના કિનારે આવેલા બ્રોનિત્સી ટ્રેનિંગ સેન્ટર ખાતે આર્જેન્ટિનાનાં ખેલાડીઓ ખુલ્લા સ્થળે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એમને જોવા માટે 500 જેટલા લોકો ભેગા થયા હતા.

એફસી બાર્સેલોનાનાં સ્ટાર ખેલાડી મેસ્સીને જોઈને ચાહકો સતત એનું નામ પોકારતા હતા.

10 વર્ષનો ડીમા નામનો એક છોકરો બાર્સેલોના અને મેસ્સીનું નામ લખેલું શર્ટ પહેરીને આવ્યો હતો.

મેસ્સીએ પ્રેક્ટિસ પૂરી થયા બાદ ચાહકો પાસે જઈને એમનો આભાર માન્યો હતો અને ઓટોગ્રાફ્સ આપ્યા હતા. તેમજ એમની સાથે ઊભીને ફોટા પડાવ્યા હતા.

2014ની વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનો જર્મની સામે 0-1થી પરાજય થયો હતો. આ વખતની વર્લ્ડ કપમાં આર્જેન્ટિના તેની પહેલી મેચ 17 જૂને આઈસલેન્ડ સામે રમશે. ત્યારબાદ એની અન્ય બે મેચ 21 જૂને ક્રોએશિયા સામે અને 26 જૂને નાઈજિરીયા સામે છે.