અમારી પાસે ભારત કરતાં વધારે સારા સ્પિનરો છેઃ અફઘાન કેપ્ટન સ્ટેનિકઝાઈનો દાવો

બેંગલુરુ – ભારત સાથે આ અઠવાડિયે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર એકમાત્ર ટેસ્ટ મેચ પૂર્વે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર સ્ટેનિકઝાઈએ એવો દાવો કર્યો હતો કે એની ટીમ પાસે એવા સ્પિનરો છે જે ભારતના બે સ્પિનર – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા કરતાં વધારે સારા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચ આવતા ગુરુવારે શરૂ થશે. એ સાથે જ ટેસ્ટ ક્રિકેટ રમનાર દેશોની સંખ્યા વધીને 12 થશે.

ભારતીય ટીમ તેના કેપ્ટન વિરાટ કોહલી વિના રમશે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવ્યું છે.

જાડેજા હાલ વિશ્વમાં ચોથા નંબરની રેન્કવાળો ટેસ્ટ બોલર છે તો અશ્વિન પાંચમા નંબરે છે. આ બંને બોલર અફઘાન ટીમને એની પહેલી જ ટેસ્ટ મેચમાં હરાવવા સજ્જ થઈ ગયા છે એવામાં સ્ટેનિકઝાઈએ ઉપર મુજબનું નિવેદન કર્યું છે.

 

સ્ટેનિકઝાઈનો દાવો છે કે એની પાસે સ્ટાર લેગબ્રેક બોલર છે – રાશિદ ખાન. તે ઉપરાંત સગીર વયનો મુજીબ ઉર રહેમાન અને અનુભવી સ્પિનર મોહમ્મદ નબી છે અને આ ત્રણેય બોલર ભારતીય સ્પિન જોડી કરતાં વધારે સારા છે.

ઈએસપીએન ચેનલે સ્ટેનિકઝાઈને એવું કહેતા ટાંક્યો છે કે આખી દુનિયા જાણે છે કે અમારી પાસે સારા સ્પિનરો છે – રાશિદ ખાન, મુજીબ, નબી, રેહમત શાહ અને ઝહીર ખાન. અફઘાનિસ્તાનમાં અમને સ્પિનરોના રૂપમાં અનેક યુવા ખેલાડીઓ મળી રહ્યા છે. એ બધાં રાશિદ, નબીને ફોલો કરે છે. એને કારણે અમારી ટીમનો સ્પિન વિભાગ એકદમ મજબૂત છે. મારો અભિપ્રાય છે કે અમારી પાસે ભારત કરતાં પણ વધારે સારા સ્પિનરો છે.

અફઘાન ટીમના કોચ ફિલ સિમોન્સે કહ્યું કે T20 ક્રિકેટમાં આઈસીસી રેન્ક્સમાં પ્રથમ રહેલો રાશિદ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં બહુ અનુભવ ધરાવતો નથી, પણ આગામી ટેસ્ટ મેચમાં એ તે છતાં ચમકી બતાવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]