દોહાઃ અહીં ફિફા વર્લ્ડ કપ-2022ની ગઈ કાલે રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી પરાસ્ત કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ત્યાં એનો મુકાબલો આજે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાનાર બીજી સેમી ફાઈનલની વિજેતા ટીમ સાથે થશે. ફાઈનલ મેચ 18 ડિસેમ્બરના રવિવારે રમાશે. ક્રોએશિયા સામેની મેચમાં આર્જેન્ટિનાના જુલિયન અલ્વારેઝે બે અને કેપ્ટન લિયોનેલ મેસ્સીએ એક ગોલ કર્યો હતો. મેસ્સીએ 34મી મિનિટે પેનલ્ટી કોર્નર મારફત અને અલ્વારેઝે 39 અને 69મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યા હતા.
આજના ગોલ સાથે મેસ્સી ફિફા વર્લ્ડ કપ ઈતિહાસમાં આર્જેન્ટિનાનો સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો છે. વર્લ્ડ કપમાં આ તેનો 11મો ગોલ હતો. એણે પોતાના દેશના ગેબ્રિયલ બેટિસ્ટુટાનો વિક્રમ તોડ્યો છે. વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ કરવાનો વિક્રમ જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના નામે છે – 16 ગોલ. બ્રાઝિલના રોનાલ્ડોએ 15, જર્મનીના જેર્ડ મ્યુલરે 14, ફ્રાન્સના જસ્ટ ફોન્ટેને 13, બ્રાઝિલના પેલે 12 ગોલ કર્યા હતા. 11 ગોલ સાથે, મેસ્સીનું નામ હવે હંગેરીના સેન્ડોર કોસીસ અને જર્મનીના જર્ગન ક્લિન્સમેન સાથે જોડાયું છે. વર્લ્ડ કપમાં મેસ્સીની 25મી મેચ હતી. આટલી બધી મેચ રમનાર પણ તે આર્જેન્ટિનાનો પહેલો ખેલાડી બન્યો છે. મેસ્સીની આ આખરી વર્લ્ડ કપ સ્પર્ધા હોવાનું મનાય છે.
આ વખતની સ્પર્ધામાં મેસ્સીએ કરેલા ગોલની સંખ્યા પાંચ થઈ છે. ફ્રાન્સનો કાઈલીયન એમ્બાપ્પે પણ પાંચ ગોલ કરી ચૂક્યો છે. આમ, ‘ગોલ્ડન બૂટ’ એવોર્ડ માટે બંને વચ્ચે હરીફાઈ છે.
35 વર્ષનો મેસ્સી આ બીજી વાર વર્લ્ડ કપની ફાઈનલમાં રમશે. 2014ની સ્પર્ધાની ફાઈનલમાં પણ તે રમ્યો હતો, પણ ત્યારે આર્જેન્ટિનાનો જર્મની સામે 1-0થી પરાજય થયો હતો. જો 18મીએ આર્જેન્ટિના ફાઈનલ જીતશે તો એ તેની ત્રીજી વિજેતા ટ્રોફી થશે. આર્જેન્ટિના આ પહેલાં 1978 અને 1986માં ચેમ્પિયન બન્યું હતું.