IPL 2023 હરાજી: કુલ 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સીઝનની હરાજીમાં બે અઠવાડિયાથી ઓછો સમય બાકી છે. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, પરંતુ અડધાથી ઓછા ખેલાડીઓને અંતિમ યાદીમાં સ્થાન મળ્યું છે. હરાજી માટે કુલ 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી કુલ 87 ખેલાડીઓને વેચવામાં આવનાર છે.

132 વિદેશી ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

શરૂઆતમાં તમામ ટીમોએ 369 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા, પરંતુ બાદમાં તેમની વિનંતી પર 36 ખેલાડીઓને વધુ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. 405માંથી 273 ખેલાડીઓ ભારતીય અને 132 વિદેશી હશે. વિદેશીઓમાં ચાર ખેલાડીઓ સહયોગી દેશના છે. કુલ 119 કેપ્ડ અને 282 અનકેપ્ડ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. કુલ 87 ખેલાડીઓ ખરીદવાના છે જેમાં 30 ખેલાડીઓ વિદેશી હશે. 19 વિદેશી ખેલાડીઓએ તેમની મૂળ કિંમત મહત્તમ બે કરોડ રૂપિયા રાખવાનો નિર્ણય કર્યો છે. 11 ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા રાખી છે.

સનરાઇઝર્સ પાસે સૌથી વધુ ખેલાડીઓ ખરીદવા છે

કોલકાતા નાઈટ રાઈડર્સે 11 ખેલાડીઓ ખરીદવાના છે અને તેમની પાસે સૌથી ઓછી રકમ 7.05 કરોડ બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે અને તેણે વધુમાં વધુ 13 ખેલાડીઓ ખરીદવાના છે. સનરાઇઝર્સ અને રાજસ્થાન રોયલ્સે વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડીઓ ખરીદવા પડશે. લખનૌ સુપરજાયન્ટ્સ પાસે 23.35 કરોડ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે 20.55 કરોડ બાકી છે. પંજાબ કિંગ્સ પાસે બીજા નંબરની સૌથી વધુ રકમ 32.2 કરોડ રૂપિયા છે અને તેણે કુલ નવ ખેલાડીઓ ખરીદવા પડશે.