મેરી કોમની બોક્સિંગ એકેડેમી ફસાઈ વિવાદમાં

હજી ચાર દિવસ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના પાટનગર ઈમ્ફાલમાં જેનું ઉદઘાટન કર્યું હતું એ સુવિખ્યાત મહિલા બોક્સર અને રાજ્ય સભાનાં સદસ્ય તરીકે નિયુક્ત કરાયેલાં મેરી કોમની મણિપુર સ્થિત બોક્સિંગ એકેડેમી વિવાદમાં સપડાઈ છે.

મેરી કોમે રચેલી એક સેવાભાવી સંસ્થા સામે કેન્દ્રીય ગૃહ  મંત્રાલયે તપાસ આદરી છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે મેરી કોમનાં ફાઉન્ડેશને ફોરેન કોન્ટ્રિબ્યૂશન રેગ્યૂલેશન એક્ટ (FCRA)નો ભંગ કર્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરન રીજીજુએ લોકસભામાં જાણકારી આપી કે મેરી કોમ રીજનલ બોક્સિંગ ફાઉન્ડેશન તથા અન્ય 20 બિનસરકારી સંસ્થાઓને વિદેશમાંથી આર્થિક સહાયતા મળી છે. આ સંસ્થાઓ સામે તપાસ કરવામાં આવી રહી છે.

સરકારે આ યાદીમાં જે બિનસરકારી સંસ્થાઓનાં નામ આપ્યાં છે એમાં રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને એમ્નેસ્ટિ ઈન્ટરનેશનલનું નામ પણ છે.

જોકે મેરી કોમનાં કાર્યાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બોક્સિંગ એકેડેમીનું FCRA એકાઉન્ટ નથી અને એકેડેમીએ કોઈ નિયમોનો ભંગ કર્યો નથી.

મેરી કોમનાં ફાઉન્ડેશને ગયા વર્ષે FCRA મંજૂરી માટે અરજી નોંધાવી હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અતિરિક્ત દસ્તાવેજો માગ્યા હતા જેનો મેરી કોમનાં કાર્યાલયે સુપરત પણ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મેરી કોમની બોક્સિંગ એકેડેમીનું ગઈ 16 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું.

મેરી કોમનું ફાઉન્ડેશન બોક્સિંગ એકેડેમી ચલાવે છે જેમાં 100થી વધારે રમતવીરો છે. સંસ્થાને વિદેશમાંથી મેરી કોમનાં પ્રશંસક એવા ઘણા બિનનિવાસી ભારતીયો તરફથી ફોન કોલ્સ આવે છે કે તેઓ એકેડેમીને આર્થિક સહાય કરવા માગે છે, પરંતુ એકેડેમીનું FCRA એકાઉન્ટ ન હોવાથી તે વિદેશમાંથી કોઈ પણ પ્રકારનું ડોનેશન સ્વીકારી શકે એમ નથી. તેથી ફાઉન્ડેશને એકાઉન્ટ ખોલી આપવા માટે ગૃહ મંત્રાલયને અરજી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]