ભારત ઈરાદા સાથે ઈંગ્લેન્ડ સામેની મેચ હાર્યું હતું એવું હું માનતો નથીઃ સરફરાઝ એહમદ

કરાચી – ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ મેચ જાણીજોઈને હારી ગઈ હતી જેથી સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવવાની પાકિસ્તાનની તકો હણાઈ જાય એવી વાતોને પાકિસ્તાન ટીમનો કેપ્ટન સરફરાઝ એહમદ માનતો નથી. એણે કહ્યુું છે કે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમને એવું લાંછન લગાડવું ખોટું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના અનેક ભૂતપૂર્વ ક્રિકેટરોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે વર્લ્ડ કપ-2019ની સેમી ફાઈનલમાં પાકિસ્તાનને પ્રવેશતું રોકવા માટે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની મેચ જીતવા માટે એના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા નહોતા.

સરફરાઝે કરાચીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ના, ના… એમ કહેવું યોગ્ય નથી. અમારે કારણે ભારત તે મેચ હારી ગયું હતું એવું હું માનતો નથી. તે મેચમાં ઈંગ્લેન્ડની ટીમ સારું રમી હતી.

પત્રકાર પરિષદમાં સરફરાઝે એક મહિલા પત્રકારની ઝાટકણી પણ કાઢી હતી કારણ કે એ પત્રકારે બાંગ્લાદેશ સામેની પાકિસ્તાનની મેચ વિશે સવાલ પૂછતી વખતે બંગાળી શબ્દ ઉચ્ચાર્યો હતો.

સરફરાઝે તે ટેલિવિઝન પત્રકારને કહ્યું કે મહેરબાની કરીને આ શબ્દ ન વાપરો. આ કારણ વગર સોશિયલ મિડિયા પર વિવાદ ખડો કરશે. તમારે એ ટીમને બાંગ્લાદેશ કહીને જ સંબોધવી જોઈએ. તમે વાંધાજનક શબ્દ વાપરો છો.

તે મહિલા પત્રકારે એમ પૂછ્યું હતું કે બંગાળીઓ સામેની મેચમાં તમારી ટીમ મેનેજમેન્ટે શોએબ મલિકને સામેલ કરીને એને ફેરવેલ મેચ કેમ નહોતી આપી?

સરફરાઝે કહ્યું કે, શોએબ અમારો સિનિયર-મોસ્ટ ખેલાડી છે. આ વખતની વર્લ્ડ કપમાં ભલે સારો દેખાવ કરી ન શક્યો, પણ એણે દેશ માટે ઘણી મહેનત કરી છે. ટીમમાં એની હાજરી જ અમારા સૌને માટે ઘણી સારી રહી છે.

શોએબ મલિકે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના પડકારનો અંત આવી ગયા બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે માત્ર ટ્વેન્ટી-20 ક્રિકેટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]