લક્ષ્ય સેને ઈતિહાસ સર્જ્યો; જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો

જકાર્તા (ઈન્ડોનેશિયા) – ઉત્તરાખંડમાં જન્મેલો લક્ષ્ય સેન આજે અહીં જુનિયર એશિયન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો છે. બેડમિન્ટન એશિયા જુનિયર સ્પર્ધા-2018માં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં એણે થાઈલેન્ડના ટોપ સીડ અને વર્લ્ડ નં-1 ખેલાડી કુનલાવુત વિતીસારનને હરાવ્યો છે.

આ સિદ્ધિ હાંસલ કરનાર લક્ષ્ય સેન ત્રીજો ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. અન્ય બે ખેલાડી છે – ગૌતમ ઠક્કર અને પી.વી. સિંધુ.

એશિયન જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર લક્ષ્ય સેન 53 વર્ષ બાદ પહેલો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. છેલ્લે, 1965માં ગૌતમ ઠક્કરે આ ટાઈટલ જીત્યું હતું.

લક્ષ્ય સેને ફાઈનલમાં વિતીસારનને 21-19 21-18થી હરાવીને આશ્ચર્ય સર્જ્યું છે.

સેને સેમી ફાઈનલમાં ચતુર્થ ક્રમાંકિત લિઓનાર્ડો ઈમેન્યુલ રુમ્બેને અને ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાન સેકન્ડ સીડ લી શિફેંગને હરાવ્યો હતો.

સેન ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર નંબર-1 ખેલાડી છે. જોકે હાલ એ વિશ્વમાં 9મો ક્રમ ધરાવે છે.

પી.વી. સિંધુએ 2012માં મહિલાઓનાં વર્ગમાં એશિયન જુનિયર ચેમ્પિયનપદ હાંસલ કર્યું હતું.

એશિયા ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ આ મુજબ છેઃ

ગૌતમ ઠક્કર (ગોલ્ડ મેડલ, 1965), પ્રણવ ચોપરા/પ્રાજક્તા સાવંત (કાંસ્ય ચંદ્રક, 2009), સમીર વર્મા (રજત ચંદ્રક, 2011) અને પી.વી. સિંધુ (કાંસ્ય, 2011), પી.વી. સિંધુ (ગોલ્ડ મેડલ, 2012) અને સમીર વર્મા (કાંસ્ય ચંદ્રક, 2012).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]