બીજી ટેસ્ટઃ કોહલી, જાડેજાએ ભારતના પહેલા દાવને ફરી મજબૂત કર્યો

પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ): અહીં ગઈ કાલથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થયેલી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતે તેના પહેલા દાવમાં દિવસની રમતને અંતે 4 વિકેટે 288 રન કર્યા હતા. પોતાની કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન સાથે દાવમાં હતો. આ બંને બેટરે પાંચમી વિકેટ માટે 106 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમના દાવને વધારે તૂટતા બચાવ્યો હતો.

(તસવીર સૌજન્યઃ ICC)

પહેલી ટેસ્ટ જીતી ચૂકેલા ભારતને ટોસ હારી જતાં પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. યશસ્વી જયસ્વાલ (57) અને કેપ્ટન રોહિત શર્મા (80)ની ઓપનિંગ જોડીએ 139 રનની ભાગીદારી કરીને ભારતના દાવનો મજબૂત આરંભ કરાવ્યો હતો. પણ ત્યારબાદ કેરિબિયન બોલરોએ દાવ પર પકડ જમાવી હતી અને જયસ્વાલ, શુભમન ગિલ (10), શર્મા અને અજિંક્ય રહાણે (8) વિકેટ પાડીને ચમકારો બતાવ્યો હતો. ભારતને આ ચારેય નુકસાન દિવસના બીજા સત્રમાં ગયું હતું, પરંતુ ત્યારબાદ કોહલી અને જાડેજાએ બાજી સંભાળી લીધી હતી. કેમાર રોચ, શેનન ગેબ્રિયલ, જોમેલ વારિકન અને જેસન હોલ્ડરે એક-એક બેટરને આઉટ કરીને ભારતના પહેલા દાવને વહેલો સમેટી લેવાના સંજોગો ઊભા કર્યા હતા, પરંતુ કોહલી-જાડેજાની જોડીએ સંભાળપૂર્વક રમીને વિન્ડિઝના બોલરોને વધારે સફળ થવા દીધા નહોતા. કોહલી 161 બોલનો સામનો કરીને અને 8 ચોગ્ગા ફટકારીને દાવમાં છે જ્યારે જાડેજા તેના 84 બોલના દાવમાં ચાર ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના આરંભે બંને ટીમના કેપ્ટનને સ્મૃતિ તકતી ભેટમાં આપવામાં આવી હતી. ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર મુકેશકુમારને સામેલ કરવામાં આવ્યો છે.