લંડન – આઈસીસી વર્લ્ડ કપ-2019માં ભારત હજી એની પહેલી મેચ રમ્યું નથી ત્યાં આજે એવા ડરામણા સમાચાર આવ્યા હતા કે સાઉધમ્પ્ટનના એજીસ બાઉલ મેદાન પર પ્રેક્ટિસ સત્ર વખતે કેપ્ટન વિરાટ કોહલીને હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. એ સમાચારે ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ચિંતા પ્રસરાવી દીધી હતી, પરંતુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના એક સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે કોહલીની ઈજા ગંભીર પ્રકારની નથી અને એ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમવા માટે એકદમ ફિટ છે.
ગઈ કાલે કોહલી એના જમણા હાથના અંગૂઠાને બરફમાં ડૂબાડી રાખીને મેદાનની બહાર જતો દેખાયો હતો.
એ પહેલાં, ભારતીય ટીમના ફિઝિયોથેરપિસ્ટ પેટ્રિક ફોરહાર્ટે એની ઈજાને ચકાસી હતી.
કોહલીને અંગૂઠામાં આ ઈજા બેટિંગ વખતે થઈ હતી કે ફિલ્ડિંગ વખતે તે હજી સ્પષ્ટ થયું નથી.
ભારતના રનમશીન કોહલીની ઈજા વકરે નહીં એ માટે પેટ્રિક ફોરહાર્ટ તમામ જરૂરી સાવચેતી લઈ રહ્યા છે. કોહલી પીડામાં હોય એવું લાગતું હતું.
વર્લ્ડ કપમાં ભારતની પહેલી પાંચ જૂને સાઉધમ્પ્ટનમાં જ દક્ષિણ આફ્રિકા સામે રમાવાની છે. કોહલી ત્યાં સુધીમાં એકદમ સાજો થઈ જાય એવી સૌ ભારતીયો આશા રાખે છે.
આ વખતની વર્લ્ડ કપ જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ ટીમોમાંની એક છે.
વર્લ્ડ કપ પૂર્વે ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ રમી હતી જેમાં ન્યૂઝીલેન્ડ સામે એનો પરાજય થયો હતો અને બાંગ્લાદેશ સામે વિજય થયો હતો.