અમલા સાજો થઈ રહ્યો છે, ભારત સામેની મેચમાં રમી શકશે એવી આફ્રિકી ટીમને આશા

સાઉધમ્પ્ટન – વર્લ્ડ કપમાં પોતાની અત્યાર સુધીની બંને મેચ હારીને સૌને આંચકો આપનાર દક્ષિણ આફ્રિકાની મુસીબતમાં વધારો થયો છે કે એનો ફાસ્ટ બોલર લુન્ગી એન્ગીડી બુધવારે ભારત સામેની મેચમાં રમી શકવાનો નથી. એ ઈજાગ્રસ્ત થયો છે.

એન્ગીડીને રવિવારે બાંગ્લાદેશ સામેની મેચ વખતે ડાબા ઘૂંટણી પાછળની નસ ખરાબ રીતે ખેંચાઈ ગઈ હતી અને તેની પીડામાંથી તે સાજો થયો નથી. એ ભારત સામે રમી શકવાનો નથી.

રવિવારની મેચમાં એન્ગીડી માત્ર ચાર ઓવર જ ફેંકી શક્યો હતો અને એને મેદાન છોડી જવાની ફરજ પડી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમના ડોક્ટર મોહમ્મદ મુસાજીનું કહેવું છે કે એન્ગીડીએ 10 દિવસ સુધી આરામ કરવો પડશે.

હવે એન્ગીડીનું સ્કેન કરવામાં આવશે અને ટીમને આશા છે કે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં તો રમી જ શકશે, પણ ભારત સામેની મેચ એ ચૂકી જશે.

એન્ગીડી પડખાનો સ્નાયૂ ખેંચાઈ જવાને કારણે આઈપીએલ સ્પર્ધામાં પણ રમી શક્યો નહોતો. એ ઈજા એને ઘરઆંગણે શ્રીલંકા સામેની મેચ વખતે થઈ હતી.

દક્ષિણ આફ્રિકા માટે એક રાહતના સમાચાર એ છે કે એનો સિનિયર બેટ્સમેન હાશીમ અમલા માથા પર બોલ વાગતાં થયેલા આઘાતમાંથી સાજો થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચ વખતે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ફેંકેલો બોલ અમલાની હેલ્મેટ સાથે અથડાયો હતો. એ હિટને કારણે અમલા સખત આઘાતમાં સરી પડ્યો હતો.

ભારત સામેની મેચ માટે અમલાને સાજો કરી દેવાના દક્ષિણ આફ્રિકાની ટીમના પ્રયાસો ચાલુ છે. એના માથાની ઈજાની પહેલી ચકાસણી પરથી જણાયું હતું કે એ બેટિંગ કરી શકશે, પરંતુ, હજી બીજી વાર પરીક્ષણ કરવામાં આવશે. એને થોડીક તકલીફ જણાઈ હતી એટલે એને બાંગ્લાદેશ સામેની મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો.

આફ્રિકા ટીમની એક અન્ય સમસ્યા છે મુખ્ય સ્ટ્રાઈક બોલર ડેલ સ્ટેનની ફિટનેસની. નેટ્સમાં સ્ટેને બે ઓવર ફેંકી હતી અને એની પરથી સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે તે ભારત સામેની મેચમાં રમવા માટે ફિટ છે કે નહીં. જો સ્ટેન રમી નહીં શકે તો દક્ષિણ આફ્રિકાની હાલત વધારે કફોડી થઈ જશે.