નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચ પછી વિરાટ કોહલીના ફેન્સે થોડા રાહતના શ્વાસ લીધા હતા, કેમ કે કોહલીએ આ મેચમાં 44 બોલમાં 59 રન બનાવ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. હવે 101 મેચોમાં વિરાટે T20Iમાં 50.77ની સરેરાશ 3402 રન બનાવ્યા છે. એની સરેરાશ સૌથી વધુ છે. T20માં તેને નામે 31 અડધી સદી છે, જેમાં સૌથી શ્રેષ્ઠ સ્કોર 94નો છે. તેનો સ્ટ્રાઇક રેટ 137.2નો છે. જોકે આ મેચ પછી ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની આ ઇનિંગ્સ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.ગંભીરે એક ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે એ વિરાટ કોહલી અથવા કોઈ પણ બેટ્સમેને જજ કરવા માટે યોગ્ય નથી, પણ રન મહત્ત્વપૂર્ણ છે. તમારે પિચની વચમાં જઈને રન બનાવવાના પ્રયાસ કરવા જોઈએ, ચાહે કોઈ પણ ટીમ સામે હોય. તેણે કહ્યું હતું કે વિરાટની આગળની મેચમાં કેટલું સાતત્ય રહે છે, એ જોવું રહ્યું. જેથી તે એક જ મેચમાં ફોર્મમાં આવી ગયો છે એ કહી શકાય નહીં. તમારે કેટલીક મેચોની રાહ જોવી જોઈએ, કેમ કે હોંગકોંગની પાસે એ પ્રકારનો બેટિંગ એટેક નથી, જેનાથી તેના ફોર્મનો અંદાજ લગાવી શકાય.
હવે આશા રાખી શકાય કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામેની મેચમાં કોહલીના ફોર્મ પર વાત કરવી યોગ્ય રહેશે. કોહલી અને રોહિત શર્માની સાથે બરાબરી પર છે, એમ તેણે કહ્યું હતું.