ઘૂંટણમાં ઈજા થતાં જાડેજા એશિયા કપની બહાર

દુબઈઃ એશિયા કપ-2022 સ્પર્ધામાં રમતી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે હવે સ્પર્ધામાં વધુ રમી શકવાનો નથી. એની જગ્યાએ અન્ય ઓલરાઉન્ડર અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને સ્પર્ધા શરૂ થઈ એ પૂર્વે અનામત (સ્ટેન્ડ-બાય) ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ગ્રુપ-Aમાં, પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એણે બેટિંગમાં 29 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે્ 35 રન કર્યા હતા. ભારત તે મેચ પાંચ-વિકેટથી જીત્યું હતું. ભારત 31 ઓગસ્ટે તેની બીજી મેચમાં હોંગકોંગ સામે 40-રનથી જીત્યું હતું. ભારત હવે આવતા રવિવારે સુપર-4 રાઉન્ડમાં તેની પહેલી મેચ રમશે. તેની હરીફ ટીમ નક્કી થવાની હજી બાકી છે.