જાણો રોહિત શર્મા પર વિવાદિત ટિપ્પણી મામલે BCCI એ શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર વિવાદિત કોમેન્ટ કરતી પોસ્ટ કરવી કોંગ્રેસ નેતા શમા મોહમ્મગને ભારે પડી હતી. રોહિત શર્માના ચાહકો દ્વારા ટ્રોલ થયા બાદ તેમણે પોસ્ટ ડિલેટ પણ કરી હતી. કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે ભારતીય કેપ્ટનની ફિટનેસ પર સવાલ ઉઠાવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ભારતીય કેપ્ટનને વજન ઘટાડવાની સલાહ આપી દીધી હતી. એટલું જ નહીં, શમા મોહમ્મદે તો એટલે સુધી કહી દીધું હતું કે ‘રોહિત ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી અપ્રભાવી કેપ્ટન પણ છે.’ ખૂબ ટ્રોલ થયા બાદ તેમણે પોતાની પોસ્ટને ભલે ડિલીટ કરી દીધી પરંતુ તેને લઈને હોબાળો મચી ગયો છે અને હવે તો બીસીસીઆઈએ પણ શમા મોહમ્મદને જડબાતોડ જવાબ આપ્યો છે.

બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ શમા મોહમ્મદને જવાબ આપતાં કહ્યું કે ‘આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક જવાબદાર વ્યક્તિએ આ પ્રકારની કમેન્ટ કરી છે, જે એક આવા ખેલાડી માટે ખૂબ અપમાનજનક અને નુકસાનકારક છે, જે એક મહત્વની આઈસીસી ટુર્નામેન્ટ રમી રહ્યો છે. ટીમના તમામ ખેલાડી ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે અને આ પ્રકારના બિનજવાબદાર નિવેદનો ખોટો પ્રભાવ પડી શકે છે. મને આશા છે કે કોઈ પણ મહત્વના સંગઠનની કોઈ પણ જવાબદાર વ્યક્તિ પોતાની અંગત લોકપ્રિયતા માટે ટુર્નામેન્ટ દરમિયાન આ પ્રકારની ટિપ્પણી કરશે નહીં, જે ટીમના પ્રદર્શનને નુકસાન પહોંચાડે.’ ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વ્યસ્ત છે. તેની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં ભારતનો સામનો ચાર માર્ચે ઓસ્ટ્રેલિયાથી થશે.