નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભલે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન ન કરી રહી હોય પરંતુ, જ્યારે વાત ટી-20ની ક્રિકેટની આવે તો વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન કીરોન પોલાર્ડે 4 માર્ચે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં બે-બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચ રમવાની સાથે પોલાર્ડ 500 ટી-20 મેચ રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે, આ ઉપરાંત આ મેચમાં તેમણે તેના 10 હજાર રન પણ પૂરા કર્યા.
વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે, જેમણે ટી-20 મેચમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. ગેલ પછી હવે આ લિસ્ટમાં પોલાર્ડ પણ સામેલ થઈ ગયો છે. પોલાર્ડે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 15 બોલમાં 3 ચોકા અને 2 સિક્સરની મદદથી 34 રન બનાવ્યા. 34 રન પૂરા થવાની સાથે જ તેમના 10 હજાર રન પૂરા થઈ ગયા.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની શાનદાર જીત થઈ. મેચ પછી ટીમની સાથે પોલાર્ડે કેક કાપીને રેકોર્ડની ઉજવણી કરી. આ મેચમાં પોલાર્ડ તેમના સાથી ખેલાડીઓએ ભેટ કરેલી સ્પેશિયલ જર્સી પહેરીને મેદાન ઉતર્યો હતો. આ જર્સી પર તેમના નામની સાથે 500 લખેલું હતું.
જો સૌથી વધુ ટી-20 મેચ રમનારા ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં ટોપ ત્રણ ખેલાડીઓમાં વેસ્ટ ઈન્ડિઝના જ ખેલાડીઓ છે. પ્રથમ નંબર પર પોલાર્ડ, બીજા નંબરે ડ્વેન બ્રાવો અને ત્રીજા નંબર પર ક્રિસ ગેલ છે.