મહિલા ક્રિકેટ ટીમ હવે સીધી વર્લ્ડકપની ફાઈનલમાં

નવી દિલ્હીઃ ભારતીય ટીમ સેમીફાઈનલ રમ્યા વગર જ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી ગઈ છે. પહેલીવાર ભારતીય ટીમ આઈસીસી વુમન્સ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારત અને ઈન્ગ્લેન્ડ વચ્ચે સિડનીમાં આઈસીસી વુમન્સ ટી20 વર્લ્ડ કપ 2020 ની પહેલી સેમીફાઈનલ મેચ રમવામાં આવનારી હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ છે.

હકીકતમાં ભારતે લીગમાં સૌથી વધારે મેચ જીતી હતી અને ટીમ ઈન્ડિયા ગ્રુપ-એ માં નંબર વન પર હતી. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાના પોઈન્ટ્સના આધાર પર ફાઈનલની ટીકિટ પ્રાપ્ત કરી શકે છે કે જે પ્રથમવાર છે.

આઈસીસી વુમન્સ ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતીય ટીમે પોતાને ચારેય મેચ જીતી લીધી છે. ભારતે સૌથી પહેલા મેજબાન ઓસ્ટ્રેલિયાને 17 રનથી, બાંગ્લાદેશને 18 રન, અને ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તો અંતિમ લીગ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. બાદમાં સેમીફાઈનલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ થવાની હતી પરંતુ આ મેચ વરસાદના કારણે ટોસ કર્યા વગર જ રદ્દ થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે.