ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચની પસંદગી કપિલ દેવ કરશે, કોહલીની સલાહ નહીં માગે

મુંબઈ – હાલમાં જ ઈંગ્લેન્ડમાં યોજાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં ભારત સેમી ફાઈનલમાં વિવાદાસ્પદ રીતે પરાજિત થયું એને કારણે ટીમના કોચ પદે નવેસરથી નિમણૂક કરવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે.

ક્રિકેટ બોર્ડે આ માટે એક સલાહકાર સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્ત્વ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને સોંપ્યું છે.

કપિલ દેવની સમિતિ ટીમના નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની પણ પસંદગી કરશે.

એવું જાણવા મળ્યું છે કે કપિલ દેવ સમિતિ નવી પસંદગી કરવામાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસેથી કોઈ માર્ગદર્શન કે સલાહ-સૂચન નહીં લે.

નવા કોચની પસંદગી વિશેનો અંતિમ નિર્ણય કપિલ દેવ અને તેમના સાથી સભ્યો જ લેશે.

સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)એ ગયે વખતે હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી કરવા માટે કોહલીની સલાહ માગી હતી અને એને પૂછ્યું હતું કે એના મતે કોચ તરીકે શાસ્ત્રી કેવા રહેશે.

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળની સમિતિમાં કપિલ ઉપરાંત અન્ય સભ્યો છેઃ અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી. ગાયકવાડ ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ખેલાડી અને રાષ્ટ્રીય ટીમના કોચ છે જ્યારે શાંતા રંગાસ્વામી ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને કેપ્ટન છે.

ગયા વખતે, હેડ કોચની પસંદગી કરતી વખતે જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું હતું ત્યારે એને કોચ તરીકે અનિલ કુંબલે સાથે ફાવતું નથી.

જોકે આ વખતે કપિલ દેવની ટીમ નવા કોચની પસંદગી કરતી વખતે કોહલીનો કોઈ અભિપ્રાય નહીં માગે, એમ ક્રિકેટ બોર્ડના એક સિનિયર અધિકારીએ એક મુલાકાતમાં કહ્યું હોવાનો અહેવાલ છે.

સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટનું સંચાલન કરવા માટે સીઓએની રચના કરી છે. સીઓએએ કોર્ટને વિનંતી કરી હતી કે સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વી.વી.એસ. લક્ષ્મણ રચિત ક્રિકેટ એડવાઈઝરી કમિટીને ચાલુ રાખવા દેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કોહલી અને કુંબલે વચ્ચે વિખવાદ થયો હતો. કુંબલેએ ત્યારબાદ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું.

CoAએ ત્યારબાદ રવિ શાસ્ત્રીને 2019ની આઈસીસી વર્લ્ડ કપ સુધી કોચ તરીકે નિમ્યા હતા. હવે એણે શાસ્ત્રી તથા સપોર્ટ સ્ટાફની મુદત 45-દિવસ માટે વધારી દીધી છે. ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે જેનો આરંભ 3 ઓગસ્ટથી થશે.

નવા કોચ માટેની અરજી મોકલવાની અંતિમ તારીખ 30 જુલાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]