IPLના મિડિયા-રાઇટ્સ માટેનું વોરઃ રૂ, 60,000-કરોડ મળવાની અપેક્ષા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિવિઝન અને ડિજિટલ સ્ટ્રિમિંગ રાઇટ્સના હકોની લિલામી કરશે. સૌથી શ્રીમંત ક્રિકેટ લીગના બ્રોડકાસ્ટના અધિકારોના હક માટે બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝના મોટાં-મોટાં નામો ઈ-લિલામીની રિંગમાં પોતાની હેટ ફેંકશે.

IPLની આગામી પાંચ સીઝન (વર્ષ 23-27) માટે 12 જૂને (રવિવારે)મિડિયા ઓક્શન થવાનું છે. આ લિલામી દ્વારા BCCIને કરોડો રૂપિયાની લિલામી થવાની અપેક્ષા છે, કેમ કે IPL એક લોકપ્રિય લીગ છે. એને જોનારા દર્શકોની સંખ્યા ઘણી વધારે છે.

આ સૌપ્રથમ વાર IPL મિડિયા રાઇટ્સ માટે ઈ-લિલામી યોજાવાની છે. જે આવતી કાલે સવારે 11 કલાકે શરૂ થશે. વળી, એ ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી મિડિયા રાઇટ્સ કોઈ કંપનીને આપી દેવામાં ન આવે.  અહેવાલો મુજબ એમેઝોને ઈ-લિલામીમાં પોતાનું નામ પરત લીધું છે. એમેઝોનના હટ્યા પછી ડિઝની સ્ટાર, સોની-ઝી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે હરીફાઈ તીવ્ર બની છે.

બોર્ડે મિડિયા રાઇટ્સને ચાર પેકેજમાં (A, B, C અને D) વહેંચ્યા છે. પેકેજ-A ભારતીય સબકોન્ટિનેન્ટલ માટે છે, જ્યારે પેકેજ-B આ જ વિસ્તારમાં ડિજિટલ હકો માટે છે. પેકેજ-C કેટલીક સ્પેશિયલ મેચો અને નોન-એક્સક્લુઝિવ મેચો માટે છે, જ્યારે પેકેજ-D ટુર્નામેન્ટની પ્રારંભની મેચ, પ્લેઓફફ મેચ, વીક-એન્ડ મેચો અને ફાઇનલ માટે છે. IPL સીઝન 74 મેચો હોવાની સાથે 18 મેચો સામેલ થશે. દરેક પેકેજની અલગ બેઝ પ્રાઇસ છે, જેમાં A- માટે મેચદીઠ રૂ. 49 કરોડ, B- માટે મેચદીઠ રૂ. 33 કરોડ, C- માટે મેચદીઠ રૂ. 11 કરોડ અને પેકેજ D-માટે મેચદીઠ રૂ. ત્રણ કરોડનો સમાવેશ થાય છે.

ડફ એન્ડ ફેલ્પ્સના અંદાજ મુજબ IPLનું મૂલ્યાંકન બે વર્ષ પહેલાં 5.9 અબજ ડોલર હતું. હવે એમાં બે નવી ટીમો અને વધારાની મેચો ઉમેરાવાથી એનું મૂલ્યાંકન ઘણું વધી ગયું છે. આ વખતે મિડિયા રાઇટ્સ 7.7 અબજ ડોલર (આશરે રૂ. 60,000 કરોડ) મળવાની અપેક્ષા છે.