દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાએ નોંધાવ્યો T20Iમાં હાઈએસ્ટ રનચેઝ

નવી દિલ્હીઃ ભારતના બોલરોની ભારે ધુલાઈ કરીને પોતાની ટીમને ગઈ કાલે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમમાં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી વિજય અપાવવામાં મુખ્ય ભાગ ભજવનાર બેટર્સ – રાસી વોન ડેર ડસન અને ડેવિડ મિલરના દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ખૂબ વખાણ કર્યા છે. આ જીત સાથે પ્રવાસી ટીમે વિકેટકીપર રિષભ પંતની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઉપર પાંચ-મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બાવુમાએ ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે ટોચના પાંચ બેટર્સની આક્રમક બેટિંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 211 રનનો સ્કોર ખડો કર્યો હતો. આમાં ઓપનર ઈશાન કિશનના 76 (48) રન દાવની મુખ્ય વિશેષતા હતા. ભારત T20I ફોર્મેટમાં પોતાનો સતત 13મો વિજય નોંધાવશે એવું જણાયું હતું, પરંતુ વોન ડેર ડસન અને મિલરની જોડીએ ચોથી વિકેટ માટે 131 રનની અતૂટ ભાગીદારી કરતાં ભારત જીતથી વંચિત રહી ગયું હતું. દક્ષિણ આફ્રિકાએ 19.1 ઓવરમાં 3 વિકેટના ભોગે 212 રન કરીને મેચ જીતી લીધી. વોન ડેર ડસન 46 બોલમાં 75 રન (પાંચ સિક્સર, 7 બાઉન્ડરી) અને મિલર 31 બોલમાં 64 રન (પાંચ સિક્સર, ચાર બાઉન્ડરી) કરીને નોટઆઉટ રહ્યો હતો. મિલરનો આજે 10 જૂને 33મો જન્મદિવસ છે.

T20I ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ આ સાથે હાઈએસ્ટ રનચેઝનો વિક્રમ કર્યો છે. આ પૂર્વેનો વિક્રમ બે વિકેટે 202 રનનો હતો, જે દક્ષિણ આફ્રિકાના નામે જ હતો. 2007માં જોહનિસબર્ગમાંની તે મેચમાં એણે વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો.

બાવુમાએ કહ્યું, ‘પીચ બેટિંગ કરવા માટે ખૂબ આસાન હતી. એમાંય રાત આગળ વધતાં બેટિંગ કરવાનું વધારે આસાન બન્યું હતું. ઈશાન કીશને અમને પ્રેશરમાં લાવી દીધા હતા. પરંતુ અમારી પાસે વોન ડેર ડસન અને મિલરના રૂપમાં એવી જમોડી-ડાબોડી જોડી છે, જે હંમેશાં જીત માટે શ્રેષ્ઠ પ્રયાસો કરતી હોય છે. રાસી વોન ડેર ડસન અમારી ટીમનો ફિનિશર છે. એ અને મિલર સાથે જોડાય ત્યારે બેઉની બેટિંગ વિસ્ફોટક બની જાય છે.’

આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટન તરીકે પંતની આ પહેલી જ મેચ હતી અને તે પણ ઘરઆંગણે. એણે કબૂલ કર્યું કે, ‘બોલિંગમાં અમુક ફેરફારો કરવામાં પોતે થાપ ખાઈ ગયો હતો. પરંતુ હરીફ બેટ્સમેનોની સરાહના કરવી જ પડે. મિલર અને વોન ડેર ડસને સરસ બેટિંગ કરી હતી. પરંતુ હું વચન આપું છું કે અમે આવતા રવિવારે કટકમાંની બીજી મેચમાં કમબેક કરીશું.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]