જમ્મુના ભદેરવાહ નગરમાં કોમી તંગદિલીને કારણે કર્ફ્યૂ

જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લાના ભદેરવાહ નગરમાં વહીવટીતંત્રએ ગઈ કાલ મોડી સાંજથી કર્ફ્યૂ લાગુ કર્યો છે. કોઈ અપ્રિય ઘટના ન બને એટલા માટે પ્રશાસને આજે સવારથી નગરમાં ઈન્ટરનેટ સેવા પણ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. ગઈ કાલે ભદેરવાહ નગરની એક મસ્જિદમાં કથિતપણે કોમી લાગણીને ભડકાવતું એક ભાષણ કરાયા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. પોલીસે ચેતવણી પણ બહાર પાડી છે કે જે કોઈ વ્યક્તિ કાયદાને પોતાના હાથમાં લેશે એની સામે કડક પગલું ભરવામાં આવશે.

નગરમાં ફ્લેગ માર્ચ કરવા માટે આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કરાયો હતો જેમાં કથિતપણે ભદેરવાહની એક મસ્જિદમાંથી લોકોને ભડકાવતી એક જાહેરાત કરવામાં આવી હતી.