જન-કલ્યાણ મારી સરકારની ટોચની પ્રાથમિકતા છેઃ મોદી

નવસારીઃ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે માટે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રૂ. 3,050 કરોડની વિકાસયોજનાઓનું લોકાર્પણ કર્યું અથવા ખાતમુહૂર્ત કરાવ્યું. ગુજરાતના આદિવાસી વિસ્તારના સર્વાંગિણ વિકાસની નેમ સાથે વડા પ્રધાન મોદીએ નવસારી જિલ્લાના ખૂડવેલ ગામે યોજાયેલ ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓને રૂ.3,050 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

એમણે વિશાળ જનમેદનીને કરેલા સંબોધનમાં કહ્યું કે ભાજપની ડબલ-એન્જિન સરકારે ગરીબ લોકોનાં કલ્યાણને ખૂબ મહત્ત્વ આપે છે. જનતાનું કલ્યાણ ભાજપ સરકારની ટોચની પ્રાથમિકતા છે. છેલ્લા આઠ વર્ષના શાસનમાં એમની સરકારે દેશની જનતાની સુખાકારી માટે અથાગ રીતે કામ કર્યું છે. એટલે જ લોકોએ એમને ચૂંટ્યા છે. અમે ચૂંટણી જીતવા માટે કામ કરતા નથી. અમે જનતા માટે કામ કરીએ છીએ અને જનતા જ અમને ચૂંટે છે. અમારે મન સત્તામાં રહેવાનો અર્થ સેવાનો છે. વીતી ગયેલા બે દાયકામાં ગુજરાતમાં ઝડપથી વિકાસ થયો છે. બધાયનો વિકાસ થયો છે અને આ વિકાસથી જન્મી છે નવી આકાંક્ષાઓ. આ ગૌરવશાળી પરંપરાને ડબલ એન્જિનની સરકાર પ્રામાણિકતાથી આગળ વધારી રહી છે.