અબુધાબીઃ અહીં ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 સ્પર્ધાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સને પહેલો પરાજય ચાખવા મળ્યો. હૈદરાબાદની 15-રનથી થયેલી જીતનો હિરો બન્યો હતો લેગસ્પિનર રાશિદ ખાન.
રાશિદે 14 રન આપીને દિલ્હીની 3 વિકેટ ખેરવી હતી. એને તેના આ પરફોર્મન્સ બદલ મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.
રાશિદ ખાને તેનો આ એવોર્ડ એના માતા-પિતાને સમર્પિત કર્યો છે.
અફઘાનિસ્તાનના 22 વર્ષીય રાશિદની માતાનું ગયા જૂન મહિનામાં જ નિધન થયું હતું જ્યારે એના પિતાનું 2018ના ડિસેમ્બરમાં નિધન થયું હતું.
રાશિદ ખાને ગઈ કાલે મેચ પૂરી થયા બાદ મેન ઓફ ધ મેચ સ્વીકારતા કહ્યું હતું કે, મારી માતા ક્રિકેટની સૌથી મોટી પ્રશંસક હતી. એ હંમેશાં મને રમતો જોતી હતી અને આનંદ લેતી હતી. જ્યારે પણ મને કોઈ પુરસ્કાર મળતો ત્યારે એ મારી સાથે ખૂબ વાતો કરતી હતી. એમની આ બાબતને હું હવે બહુ મિસ કરી રહ્યો છું. એમની યાદ હંમેશાં મારી સાથે જ રહેશે. છેલ્લું દોઢ વર્ષ મારે માટે બહુ જ કપરું બની રહ્યું.
રાશિદે વધુમાં કહ્યું કે હું ક્યારેય મેચમાં કોઈ પ્રકારના દબાણ સાથે રમતો નથી. હું કાયમ સારો દેખાવ કરવાનો જ પ્રયત્ન કરતો હોઉં છું. હું શાંત રહીને જ રમું છું. કેપ્ટને હંમેશાં મારી ટેલેન્ટમાં ભરોસો રાખ્યો છે અને મને મારી રીતે જ બોલિંગ કરવાની છૂટ આપી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે જોની બેરસ્ટો (53), કેપ્ટન ડેવિડ વોર્નર (45) અને કેન વિલિયમ્સન (41)ના યોગદાન સાથે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. ત્યારબાદ ટીમના બોલરોએ, ખાસ કરીને રાશિદ ખાને, દિલ્હી કેપિટલ્સનો દાવ 20 ઓવરમાં 7 વિકેટે 147 રન સુધી સીમિત રાખ્યો હતો. દિલ્હીના શિખર ધવને 34 અને રિષભ પંતે 28 રન કર્યા હતા.
ત્રણ મેચોમાં હૈદરાબાદની આ પહેલી જ જીત છે જ્યારે દિલ્હીની ત્રણ મેચોમાં આ પહેલી હાર છે.
રાશિદની 3 વિકેટ ઉપરાંત ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 25 રનમાં 2, ખલીલ એહમદ તથા ટી. નટરાજને એક-એક વિકેટ લીધી હતી.
(તસવીર સૌજન્યઃ આઈપીએલટી20.કોમ)