આઈપીએલ હરાજીઃ પેટ કમિન્સ બન્યો સ્પર્ધાના ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી

મુંબઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આવતા વર્ષની આવૃત્તિમાં રમવા માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. એમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ સૌથી ઊંચી રકમમાં વેચાયો હતો. એને રૂ. 15 કરોડ 50 લાખની કિંમતમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે. સ્પર્ધાના ઈતિહાસમાં આ સૌથી ઊંચી રકમ સાથે કોઈ વિદેશી ખેલાડી પસંદ કરાયો છે.

કમિન્સ ટેસ્ટ ક્રિકેટમાં હાલ બોલરોના રેન્કિંગ્સમાં નંબર-1 પર છે.

રૂ. 15.50 કરોડમાં વેચાઈને કમિન્સે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટોક્સ 2017ની સ્પર્ધાના ઓક્શન વખતે રૂ. 14 કરોડ 50 લાખની રકમમાં વેચાયો હતો.

સ્પર્ધાના ઈતિહાસમાં સૌથી ઊંચે કિંમતે વેચાવાનો વિક્રમ યુવરાજ સિંહ ધરાવે છે. એને 2015માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમે રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો.

કમિન્સને ખરીદવા માટે શરૂઆતમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સ હરીફાઈમાં ઉતર્યા હતા. કમિન્સની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા નક્કી કરાઈ હતી. બોલીની રકમ ઝડપથી રૂ. પાંચ કરોડ સુધી વધી ગઈ હતી. બેંગલોર ટીમે રૂ. 5.25 કરોડની બોલી લગાવી હતી. પણ આખરે કોલકાતા ટીમે રૂ. 15.5 કરોડની બોલી લગાવી હતી અને એ સર્વોચ્ચ રહી હતી.

26 વર્ષીય કમિન્સ ઓસ્ટ્રેલિયા વતી 25 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. એ ગત્ આઈપીએલ મોસમ સુધીમાં દિલ્હી કેપિટલ્સ ટીમ વતી 16 મેચો રમ્યો છે, જેમાં એણે 17 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, જેની બેઝ પ્રાઈઝ રૂ. બે કરોડ હતી, એને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો છે. એને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ ટીમે જોરદાર હરીફાઈ કરી હતી.

ગ્લેન મેક્સવેલ

ક્રિસ મોરીસને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે રૂ. 10 કરોડની સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદ્યો હતો.

ગયા વર્ષે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન ટીમ વતી રમેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 5.50 કરોડમાં ખરીદ્યો છે.

ક્રિસ મોરીસ

યુસુફ પઠાણ અને સ્ટુઅર્ટ બિન્નીને ખરીદવા માટે કોઈ ટીમ તૈયાર થઈ નહોતી.

ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન ઓઈન મોર્ગન અને ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરો માટેની ટીમના કેપ્ટન આરોન ફિન્ચને અનુક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલોર ટીમે અનુક્રમે રૂ. 5.25 કરોડ અને રૂ. 4.40 કરોડની રકમમાં ખરીદ્યો છે.