કેકેઆરના આ ખેલાડીની ઉંમર 48 વર્ષ પણ જુસ્સો 20 વર્ષના જુવાન જેવો

નવી દિલ્હી:  કોલકાતામાં ગુરૂવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. હરાજીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છવાઈ ગયા હતા જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને પણ સારી રકમ મળી હતી. પણ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં સામેલ થનાર એક ખેલાડીએ સૌ કોઈને આશ્ચર્યમાં નાખી દીધા છે.

મુંબઈના લેગ સ્પિનર પ્રવીણ તાંબે ભલે 48 વર્ષના હોય પણ તે પોતાને 20 વર્ષનો યુવાન માને છે. આપીએલ હરાજીમાં જ્યારે યુવા ખેલાડીઓ પર બોલી ન લાગી ત્યારે રાજસ્થાન રોયલ્સના આ પૂર્વ લેગ સ્પિનરને કોલકાતા નાઈટરાઈડર્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. તાંબે કહે છે કે, તે આઈપીએલની આગામી સિઝનમાં કોલકાતાની ટીમમાં તેમનો સંપૂર્ણ અનુભવ અને ઉર્જા લઈને આવશે.

પ્રવીણ તાંબે એ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે, હું આજે પણ વીસ વર્ષાના યુવા ખેલાડી જેવી માનસિકતા સાથે મેદાનમાં ઉતરું છું. હું ટીમમાં સકારાત્મકતા લઈને આવીશ. હું ઉંમરની બાધામાં નથી માનતો લોકો અલક મલકની વાતો કરે પણ હું તેમાં ધ્યાન આપવાને બદલે મારા કામ પર ધ્યાન આપું છું. મને જે રોલ મળશે તેમાં મારા તરફથી હું સો ટકા આપવાનો પ્રયત્ન કરીશે. મારે કંઈ સાબિત નથી કરવું પણ જો એવું હોત તો હું આટલા લાંબા સમય સુધી ન રમી શક્યો હોત.

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ શિક્ષક તરીકે કામ કરનારા તાંબે કહે છે કે, મારો પરિવારે આટલા વર્ષો સુધી મારો સાથ આપ્યો તે મને પ્રોત્સાહિત કરતા રહે છે. કેકેઆરએ મારામાં કંઈક તો ટેલેન્ટ જોઈને મારી પસંદગી કરી હશે. હું કેકેઆર ટીમ મેનેજમેન્ટનો આભારી છું.

તાંબેનો ક્રિકેટ પ્રેમ યથાવત છે તેમનો પુત્ર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે મારો પુત્ર ક્રિકેટર બનવા નહતો ઈચ્છતો. તાંબેએ આઈપીએલ 2014માં રાજસ્થાન રોયલ્સ માટે કેકેઆર વિરુદ્ધ હેટ્રીક વિકેટ લીધી હતી. તે કેકેઆરની ટીમમાં પીયુષ ચાવલાનું સ્થાન લેશે જેને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો છે.