દુબઈઃ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો ગઈ કાલે અહીં દિલ્હી કેપિટલ્સ સામેની આઈપીએલ-2020 લીગ મેચમાં સુપર ઓવર પરિણામમાં પરાજય થયો હતો. પરંતુ તે મેચમાં ફિલ્ડ અમ્પાયરે કરેલી ભૂલ સામે પંજાબ ટીમે મેચ રેફરી જાવાગલ શ્રીનાથને ફરિયાદ કરી છે.
કિંગ્સ ઈલેવન પંજાબની ફરિયાદ છે કે ઓન-ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને એક ખોટો નિર્ણય લઈને ટીમને એક રન ઓછો આપ્યો હતો. પરિણામે મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવર રમાડવી પડી હતી. તે ઓવરમાં દિલ્હી ટીમનો વિજય થયો હતો.
પંજાબ ટીમના કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીની ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા હતા. તેના જવાબમાં પંજાબે પણ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા હતા.
આખરી ઓવરમાં પંજાબને જીત માટે 13 રનની જરૂર હતી. અગ્રવાલ પહેલા 3 બોલમાં 12 રન કરવામાં સફળ થયો હતો. જો એમાંનો એક ‘શોર્ટ રન’ પંજાબના ટોટલમાં ઉમેરાયો હોત તો પંજાબ ટીમ 3 બોલ ફેંકાવાના બાકી રાખીને જીતી ગઈ હોત. એને બદલે એણે છેલ્લા બે બોલમાં બે વિકેટ ગુમાવી હતી અને તે પહેલાં ચોથો બોલ ડોટ ગયો હતો. પરિણામે મેચ સુપર ઓવરમાં ગઈ હતી.
સુપર ઓવરમાં પંજાબ ટીમે બે વિકેટ ખોઈ હતી અને માત્ર બે રન કર્યા હતા. દિલ્હી ટીમે બે બોલમાં જીત માટે જરૂરી 3 રન કરીને મેચ જીતી લીધી હતી.
પંજાબ ટીમની ફરિયાદ છે કે જો અમ્પાયરે તે એક રન ઓછો આપ્યો ન હોત તો પંજાબ ટીમે રેગ્યૂલર સમયમાં જ મેચ જીતી લીધી હોત અને સુપર ઓવર નાખવાની જરૂર પડી ન હોત. તે ઘટના પંજાબના દાવની 19મી ઓવરમાં બની હતી. મયંક અગ્રવાલે ફટકો માર્યો હતો અને તે અને ક્રિસ જોર્ડન બે રન દોડ્યા હતા. સ્ક્વેર-લેગ સ્થાને ઊભેલા અમ્પાયર નીતિન મેનને એવો નિર્ણય આપ્યો હતો કે જોર્ડને પહેલો રન દોડવામાં એનું બેટ સ્ટ્રાઈકર એન્ડ પર ક્રીઝની અંદર મૂક્યું નહોતું.
પરંતુ, ટીવી રીપ્લેઝમાં જોઈ શકાયું છે કે જોર્ડને એનું બેટ ક્રીઝની અંદર મૂક્યું જ હતું અને પછી જ બીજો રન લેવા દોડ્યો હતો.
કિંગ્સ ઈલેવન પંજાબના સીઈઓ સતિષ મેનને પત્રકારોને જાણકારી આપતાં કહ્યું કે અમે મેચ રેફરીને અપીલ કરી છે. માનવ ભૂલ થવી શક્ય છે, અમે એ સમજીએ છીએ, પરંતુ જ્યારે આઈપીએલ જેવી વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ રમાતી હોય ત્યારે માનવ ભૂલોને અવકાશ હોવો ન જોઈએ. આ એક રન અમારું પ્લે-ઓફ્ફમાંનું સંભવિત સ્થાન છીનવી શકે છે.
જોકે પંજાબ ટીમની આ અપીલથી મેચના પરિણામ પર કોઈ અસર થવાની શક્યતા નથી, કારણ કે આઈપીએલની રમતની શરતો અંગેની રૂલ બુકમાંનો નિયમ 2.12 (અમ્પાયરના નિર્ણય) વિશે એમ જણાવે છે કે, અમ્પાયર કોઈ પણ નિર્ણયને બદલી શકે છે, પરંતુ શરત એ કે એ ફેરફાર ત્વરિત કરાયો હોય. વળી, અમ્પાયરનો નિર્ણય એક વાર લેવાઈ જાય પછી એ આખરી બની જાય છે.
રવિવારની મેચમાં અમ્પાયરનો નિર્ણય ખોટો હતો એવું ટેક્નોલોજી પરથી પુરાવો મળ્યો હતો તે છતાં અમ્પાયરનો નિર્ણય ફેરવી શકાયો નહોતો.
દિલ્હીના માર્કસ સ્ટોઈનીશને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે 21 બોલમાં 7 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 53 રન કર્યા હતા. પંજાબ ટીમના ઓપનર મયંક અગ્રવાલે 60 બોલમાં 7 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 89 રન કર્યા હતા. સ્ટોઈનિસે બોલિંગમાં અગ્રવાલ સહિત બે વિકેટ પણ લીધી હતી.