દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનનો આવતી 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં આરંભ થઈ રહ્યો છે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં મેચો રમાશે. ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી ગયો હોવાને કારણે આ વખતની આઈપીએલ સ્પર્ધાને વિદેશની ધરતી પર રમાડવાનો નિર્ણય લેવાયો છે.
19 સપ્ટેમ્બરે પહેલી મેચ ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. સ્પર્ધા 10 નવેમ્બર સુધી ચાલશે.
આ વખતની સ્પર્ધા સ્ટેડિયમોમાં દર્શકો વિના રમાડવામાં આવશે. પરંતુ ટીવી દર્શકોનો સ્પર્ધા માટેનો જુસ્સો અને ઉત્સાહ ટકી રહે એટલા માટે આયોજકોએ અમુક વ્યવસ્થા કરી છે.
જેમ કે, દરેક મેચ દરમિયાન ચીયરલીડર્સ છોકરીઓ નાચતી જોવા મળશે. એ છોકરીઓ સ્ટેડિયમમાં લાઈવ નાચતી નહીં હોય, પરંતુ રેકોર્ડ કરેલા વિડિયો દર્શાવવામાં આવશે. જ્યારે કોઈ ચોગ્ગો કે છગ્ગો ફટકારવામાં આવશે ત્યારે ચીયરગર્લ્સને નાચતી બતાવતો રેકોર્ડેડ વિડિયો રજૂ કરવામાં આવશે. એવી જ રીતે, દર્શકોના રેકોર્ડેડ પ્રત્યાઘાત પણ રજૂ કરવામાં આવશે.
સ્ટેડિયમમાં અતિરિક્ત સ્ક્રીન મૂકવામાં આવશે જેની પર દર્શકોનાં રેકોર્ડ કરેલા હાવભાવ, પ્રત્યાઘાત રજૂ કરવામાં આવશે તેમજ ચીયરલીડર્સનાં વિડિયો બતાવવામાં આવશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે આ વ્યવસ્થાને આવકાર આપ્યો છે અને કહ્યું છે કે આને કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધશે.
ટીમમાલિકોએ ચીયરલીડર્સના નાના-નાના વિડિયો પહેલેથી જ તૈયાર કરાવી લીધા છે. તેથી જ્યારે એમની ટીમનો બેટ્સમેન જ્યારે ચોગ્ગો કે છગ્ગો ફટકારશે ત્યારે એને વધાવતી ચીયરગર્લ્સના વિડિયો સ્ટેડિયમના સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે. જે ખાસ તો ટીવી દર્શકોને બતાવવા માટે જ તૈયાર કરવામાં આવ્યા છે. ખેલાડીઓને પણ તેઓ ખાલી સ્ટેડિયમમાં રમી રહ્યા છે એવું નહીં લાગે, એમનો આત્મવિશ્વાસ વધશે અને સાથોસાથ રમતનો રોમાંચ પણ જળવાશે.
આઈપીએલ-2020ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની+હોટસ્ટાર પર તેમજ ફેનકોડ એપ પર જોઈ શકાશે.