દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનના આરંભ પૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલનો કોરોના વાઈરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. UAE માટે IPL 2020માં ભાગ લેવા માટે ફ્લાઇટ પકડતાં પહેલાં ગેલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગેલે આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલે ઓલિમ્પિક્સ ગોલ્ડમેડલ વિજેતા દોડવીર ઉસૈન બોલ્ટની બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો. બોલ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બોલ્ટ અને ગેલ ખાસ મિત્રો છે. તેથી ગેલને લઈને શંકા હતી, પણ તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
જો ગેલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોત તો તેણે IPL 2020માંથી તે બહાર થવું પડ્યું હોત, કેમ કે BCCI દ્વારા સખત SOP જારી કરવામાં આવી છે, જેનું સખતાઈથી પાલન કરવામાં આવનાર છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના રોગચાળાને કારણે IPL 2020 મેચો દુબઈ, અબુધાબી, શારજાહના સ્ટેડિયમોમાં પ્રેક્ષકો વગર રમાવાની છે, કેમ કે ક્રિકેટરોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું થાય.
બોલ્ટ કોરોનાગ્રસ્ત
એથ્લીટ બોલ્ટના કોરોના પોઝિટિવ થવાથી કેટલાય લોકોને આશ્ચર્ય થયું છે, કેમ કે બોલ્ટ વિશ્વનો સૌથી મોટો દોડવીર (એથ્લીટ) છે, તેમ છતાં તે કોરોના વાઇરસથી આગળ ન નીકળી શક્યો.
ગેલ કિગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ થવા તૈયાર
ગેલ નજીકના ભવિષ્યમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ છે. જોકે હાલમાં તે કેરેબિયન પ્રીમિયર લીગના 2020ની મેચોમાં નહોતો રમ્યો. ગેલે ઢાકા T20 લીગ પછી એક પણ ક્રિકેટ મેચ નથી રમી.
કિંગ્સ ઇલેવન પંજાબે IPL લીગમાં પોતાના ખરાબ રેકોર્ડમાંથી આ વખતે બહાર આવવા દ્રઢ સંકલ્પ કર્યો છે, જે 2014ની IPL ટુર્નામેન્ટમાં ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના હાથે હારી ગઈ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ IPL ટુર્નામેન્ટમાં હજી સુધી કપ જીતી શકી નથી.