જિનેવા: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ એવો દાવો કર્યો છે કે કોરોના વાઈરસ એટલે કે COVID-19 જાગતિક રોગચાળાની અસરની ચિંતા વધી રહી હોવા છતાં આ વર્ષની ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક ગેમ્સ સંબંધિત હાલને તબક્કે કોઈ ધરખમ નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી.
કોરોના વાઈરસે ઊભી કરેલી કટોકટીનો સામનો કેવી રીતે કરવો એ વિશે ચર્ચા કરવા માટે IOCના એક્ઝિક્યૂટિવ બોર્ડે આંતરરાષ્ટ્રીય ફેડરેશનો સાથે આજે ટેલિકોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ એણે નિવેદન બહાર પાડ્યું હતું અને એમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
નિવેદનમાં જણાવાયું છે કે, ઓલિમ્પિક ગેમ્સ ટોકિયો 2020 યોજવા માટે IOC સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગેમ્સ શરૂ થવાને હજી ચાર મહિનાનો સમય છે તેથી હાલના તબક્કે ગેમ્સના આયોજન અંગે કોઈ ધરખમ નિર્ણયો લેવાની એને કોઈ જરૂર જણાતી નથી. વળી, હાલને તબક્કે કોઈ અફવાથી પણ નુકસાન થઈ શકે છે.
કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઓલિમ્પિક ગેમ્સ ટોકિયો 2020 માટેની તૈયારીઓને માઠી અસર જરૂર પડી છે અને તે અસર રોજેરોજ બદલાઈ પણ રહી છે. પરંતુ, IOCને વિશ્વાસ છે કે દુનિયાભરના સત્તાવાળાઓ જે પગલાં લઈ રહ્યાં છે તે કોવિડ-19 વાઈરસની પરિસ્થિતિને રોકવામાં મદદરૂપ થશે.
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ટોકિયો શહેરમાં યોજવાનું નિર્ધારિત છે.