હૈદરાબાદઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એનાં જમણા હાથમાં નસ ખેંચાઈ જવાની તકલીફને કારણે આ વખતની યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં રમવાની નથી. આ સાથે જ એણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની એની યોજનામાં પણ અમુક ફેરફારો કર્યાં છે.
35 વર્ષીય સાનિયાને આ ઈજા આ મહિનાના આરંભમાં કેનેડિયન ઓપન સ્પર્ધામાં રમતી વખતે થઈ હતી. એ ગયા અઠવાડિયે અમેરિકામાં સિનસિનાટી ઓપનમાં પણ રમી હતી. ટોરન્ટોની સ્પર્ધામાં મહિલા ડબલ્સમાં એ મેડિસન કેઈસ સાથે જોડી બનાવીને રમી હતી. સાનિયાએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે તે 2022નું વર્ષ પ્રોફેશનલ ટેનિસમાં એની આખરી મોસમ હશે. પરંતુ, હવે આ છ-વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ખેલાડીએ સંકેત આપ્યો છે કે નિવૃત્તિની યોજનામાં તે અમુક ફેરફાર કરશે. ભૂતપૂર્વ મહિલા ડબલ્સ વર્લ્ડ નંબર-1 સાનિયાએ 2018થી માતૃત્ત્વ બ્રેક લીધો હતો. બાદમાં 2020ના જાન્યુઆરીમાં એ ટેનિસ કોર્ટ પર પાછી ફરી હતી. એણે યૂક્રેનમાં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં એ ઝળકી શકી નહોતી.