ચીનમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા CAB મદદ કરશે

કોલકાતાઃ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ચાઇનીઝ કોન્સલ જનરલે ચીનમાં ક્રિકેટને પ્રોત્સાહન મળે એ માટે ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (CAB) પાસે સહકાર માગ્યો છે. કોલકાતામાં ચીનના કોન્સલ જનરલ ઝા લિયુની આગેવાનીમાં ત્રણ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે CABના પ્રમુખ અવિષેક દલમિયાને BC રોય કલબહાઉસમાં મળ્યું હતું.

આ મુલાકાત પછી દાલમિયાએ જણાવ્યું હતું કે ચીની પ્રતિનિધિ મંડળે ચોંગક્વિંગ સિટીમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે CAB પાસે સહયોગ કરવા વિનંતી કરી હતી. અમે ક્રિકેટ વૈશ્વિક સ્તરે પ્રસરે એવી ફિલસૂફીમાં માનીએ છીએ અને ચીન આ ગેમમાં રસ લઈ રહ્યું છે, એ જાણીને અમે એને પ્રોત્સાહન આપીશું, એમ તેમણે ઉમેર્યું હતું. ચીન આ બાબતે CAB સાથે એક કરાર કરવા પણ ઇચ્છે છે, જે હેઠળ તેઓ ફ્રેન્ડલી મેચો રમવા પણ ઇચ્છે છે.

અમે ભૂતાન ક્રિકેટ અમને બંગલાદેશ ક્રિકેટ બોર્ડને સહકાર આપ્યો છે. અમે બંગલાદેશ સાથે વિવિધ કાર્યક્રમો કર્યા છે. તેઓ કેટલીક ફ્રેન્ડલી મેચ અને યુવા ક્રિકેટરોને સાથે મેચ રમાડવા ઇચ્છે છે. તેઓ તેમનાં બાળકો અહીં આવીને રમે એવું ઇચ્છે છે. તેમના કોચ પણ અમારી પાસે તાલીમ લે છે. ચીન પણ હવે ક્રિકેટ રમવા માટે ગંભીર છે, એમ તેમણે કહ્યું હતું.