સુશાંત સિંહના મોત પછી ‘બોયકોટ બોલીવૂડ’ ટ્રેન્ડઃ સ્વરા ભાસ્કર

મુંબઈઃ ‘બોયકોટ બોલીવૂડ’ ટ્રેન્ડ ઘણા સમયથી ફિલ્મઉદ્યોગને પરેશાન કરી રહ્યો છે, ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં ‘બોયકોટ બોલીવૂડ’ના ટ્રેન્ડ વિશે અભિપ્રાયો આપ્યા હતા. તેણે કહ્યું હતું કે ફિલ્મજગત બોક્સ ઓફિસ પર મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. કેટલાક લોકો બોલીવૂડને હલકી અને નફરત ભરી નજરે જોઈ રહ્યા અને એને નકારાત્મક ચિત્રિત કરી રહ્યા છે, પણ એ લોકો ભૂલી જાય છે કે ફિલ્મઉદ્યોગ અનેક લોકોને આજીવિકા પૂરી પાડી રહ્યો છે.સ્વરાએ અનુરાગ કશ્યપનો હવાલો આપતાં કહ્યું હતું કે દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યાનો તેમનો તર્ક સાચો છે. એ યોગ્ય છે, તેમણે એ માટે બોલીવૂડને દોષ નહોતો આપ્યો, પણ અન્ય કારણો જેવાં કે કોરોના સંક્રમણ અને OTT પ્લેટફોર્મને પગલે લોકોએ થિયેટરોમાં જવાનું હાલપૂરતું માંડી વાળ્યું છે.

તેણે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલીવૂડ પ્રત્યે લોકોની નજર બદલાઈ ગઈ છે. સુશાંત દુઃખદ આત્મહત્યા પછી બોલીવૂડને નકારાત્મક ચિત્રિત કરવામાં આવ્યું છે, બોલૂવીડ એટલે માત્ર ડ્રગ્સ, દારૂ અને સેક્સ – એવું લોકો વિચારે છે, એમ તેણે કહ્યું હતું. બોલીવૂડને ઘણાબધા લોકો બદનામ કરી રહ્યા છે અને એવા લોકો પણ જેમને ઉદ્યોગ પસંદ નથી ,પણ હાલ બોલીવૂડ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, જેથી કંઈક સારું થવાની અપેક્ષા છે.