100 T20 ઈન્ટરનેશનલ્સમાં ભારતનો 62મો વિજય; બધી ટીમો કરતાં સૌથી વધારે

ડબલીન – આયરલેન્ડને ગઈ કાલે અહીં એની જ ધરતી પર પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 76 રનથી હરાવીને ભારતે આ ફોર્મેટની ક્રિકેટમાં પોતાનો 62મો વિજય નોંધાવ્યો છે.

100 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂકેલી બીજી તમામ ટીમો કરતાં ભારતનો જીતનો આંકડો વધારે છે.

બીજા નંબરે સાઉથ આફ્રિકા આવે છે, 59 મેચમાં જીત સાથે.

100 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પૂરી કરનાર ભારત સાતમો દેશ છે.

ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ભારતની 100 ટ્વેન્ટી-20 મેચોમાં માત્ર 10 મેચ જ ચૂક્યો છે. બુધવારે, ભારત પોતાની 100મી મેચ રમ્યું હતું તો ધોની પોતાની 90મી. ધોની એની પહેલી મેચમાં ઝીરો પર આઉટ થયો હતો તો હાલનો કેપ્ટન વિરાટ કોહલી બુધવારે ટીમની 100મી મેચમાં ઝીરો પર આઉટ થયો હતો. જોકે એના સુકાન હેઠળ ભારતે 62મો વિજય નોંધાવ્યો જે સાથે ભારતીય ટીમ સૌથી સફળ ટીમ બની છે.